Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમ સ્પિનરોની મદદથી ઈંગ્લેન્ડ સામે 5-0થી ટેસ્ટ સીરિઝ જીતી શકે છેઃ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર

Social Share

દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મધુસુદન સિંઘ ‘મોન્ટી’ પાનેસરનું માનવું છે કે જો આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરમ ​​હવામાનમાં ઈંગ્લેન્ડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે, જેથી ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડને 5-0થી હરાવી શકે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આગામી મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો આરંભ થશે.

ભારતીય ટીમે આ વર્ષની શરૂઆતમાં ભારતના મેદાન પર અક્ષર પટેલ અને આર.કે. અશ્વિન જેવા સ્પિનરોની મદદથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ 3-1થી જીતી હતી. વિરાટ બ્રિગેડ એ જ ફોર્મ યથાવત રાખીને અંગ્રેજી ધરતી પર 14 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતવાનો દુષ્કાળ સમાપ્ત કરવા માંગશે. 2007 બાદ ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ કોઈ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

ઇંગ્લેન્ડ તરફથી 2006 થી 2013 સુધી 50 ટેસ્ટ મેચમાં 167 વિકેટ લેનાર મોન્ટી પાનેસરએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય સ્પિનરોને ઇંગ્લિશ પીચમાંથી મદદ મળે તો તેઓ અંગ્રેજી બેટ્સમેનોની નબળાઇનો લાભ લઈ શકે છે. ઓગસ્ટમાં ઇંગ્લેન્ડમાં તે ગરમ હોવાથી ભારતીય સ્પિનરો ખતરનાક બની શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ સારા તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઇંગ્લેન્ડમાં જ્યારે ઓગસ્ટમાં હવામાન ગરમ હોય છે ત્યારે ભારતીય ટીમ બે સ્પિનરો સાથે રમી શકે છે. કોહલીની આગેવાનીવાળી ટીમમાં ઈંગ્લેન્ડને 5-0 થી પરાસ્ત કરવાની ક્ષમતા છે.

ટીમ ઈન્ડિયા પાસે આર.કે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી સ્પિનરો છે. આ બંને બોલરોએ 2020-2021ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જોરદાર બોલિંગ કરી હતી. આ સિવાય અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં બે યુવા બોલરો પણ ભારતીય ટીમમાં છે.

તેમણે કહ્યું કે, ભારતીય ઝડપી બોલર ઇંગ્લેન્ડના ઓછા અનુભવી બેટિંગ ક્રમની સામે ખૂબ અસરકારક રહેશે. ટીમ ઈન્ડિયા છ ઝડપી બોલરો સાથે ઈંગ્લેન્ડ જઈ રહી છે. ટીમમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મો.સિરાજ, મો.શમિ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.