Site icon Revoi.in

ભારતનો માનવતાભર્યો સંદેશ: પાકિસ્તાનને પૂરનો ખતરો જણાવી 1.5 લાખ લોકોના જીવન બચાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જમ્મુ-કાશ્મીરની તાવી નદીનું જળસ્તર ઝડપથી વધતા પાકિસ્તાનમાં પૂરનું જોખમ ઉભું કરી શકે છે, તે અંગે ભારતે પડોશી દેશને તાત્કાલિક ચેતવણી આપી હતી. ભારતના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશન મારફતે આ ચેતવણી મોકલી હતી. પરિણામે પાકિસ્તાની પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ લગભગ દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં, ભારતનું આ પગલું માનવતાનું મોટું ઉદાહરણ માનવામાં આવે છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે, તેમ છતાં ભારતે સ્પષ્ટ કર્યું કે આ એલર્ટ ફક્ત માનવતાના આધારે આપવામાં આવ્યું છે અને તેનો સિંધુ જળ સંધિ સાથે કોઈ સંબંધ નથી.

ભારતે જાણ કરતા જ પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ તરત જ પૂરનું એલર્ટ જાહેર કર્યું હતું.  પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને કારણે 20,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  કસૂર, ઓકારા, પાકપટ્ટન, બહાવલનગર અને વેહારી જિલ્લામાં રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. આગામી 48 કલાકમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર અને ગુજરાંવાલામાં પૂરનો ખતરો વધ્યો છે.