Site icon Revoi.in

ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની બેઠક 9 કલાક ચાલી – તણાવ ઘટાડવા અંગે થઈ વાતચીત

Social Share

 

દિલ્હીઃભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે વિતેલા દિવસને શનિવારના રોજ લશ્કરી અને રાજદ્વારી સ્તરની 12 મી રાઉન્ડની વાતચીત થઈ હતી. મળતી માહિતી મુજબ આ વાતચીત લગભગ નવ કલાક સુધી ચાલી હતી. જેમાં બંને પક્ષોએ તણાવ ઓછો કરવા અને લશ્કરી ગતિરોધનો અંત લાવવા બાબતે ચર્ચા કરી હતી. આ વાતચીત લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનના ભાગ વાળા ઓલ્ડી નામના સ્થળે થઈ હતી.

બન્ને દેશો વચ્ચે થયેલી આ મંત્રણામાં, ભારત અને ચીને હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા હાઇટ્સ વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવાની ચર્ચા પણ કરી. ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે શનિવારે સવારે 10.30 વાગ્યે વાટાઘાટો શરૂ થઈ હતી, જે લગભગ સાંજના 7.30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં બંને પક્ષોએ પૂર્વ લદ્દાખમાં સૈન્ય વિવાદને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરી હતી.

આ પહેલા બંને દેશો વચ્ચે 11 મી રાઉન્ડની વાતચીત 9 એપ્રિલેના રોજ એલએસીની ભારતીય બાજુના ચુશુલ ખાતે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે બંને દેશોએ પેંગોંગ તળાવની ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી પોતાના સૈનિકો અને હથિયારો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જો કે, ટકરાવના બાકીના સ્થળોએ સૈનિકો પાછા ખેંચવાની શરૂઆત હજુ થઈ નથી. ગત વર્ષે મે મહિનાથી બંને દેશો વચ્ચે પૂર્વ લદ્દાખમાં કેટલાક સ્થળોએ લશ્કરી વિવાદની સ્થિતિ સર્જાઈ છે.

ત્યારે આ અગાઉ 14 જુલાઈના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તે સમયે દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સમ્મેલનના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન, એલએસી સંબંધિત ચાલી રહેલા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.આ સમય દરમિયાન એસ જયશંકરે કહ્યું હતું કે પરિસ્થિતિમાં એકતરફી પરિવર્તન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું હતું કે સરહદી વિસ્તારોમાં અમારા સંબંધોના વિકાસ માટે શાંતિ અને વ્યવસ્થાનું સંપૂર્ણ પુનરાગમન ખૂબ મહત્વનું છે.

Exit mobile version