Site icon Revoi.in

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે, કરાશે 79 હજાર કરોડથી વધુનો ખર્ચ

Social Share

વોશિંગ્ટન:  કોરોનાની મહામારી વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આ સમયે તમામ રેકોર્ડ તૂટશે તેવી શક્યતા છે. કદાચ આ વિશ્વની સૌથી મોંઘી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ગણાશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંદાજે 79 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ ભારતની લોકસભા ચૂંટણીથી 50 ટકા વધુ હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ઓપન સીક્રેટ્સ ડોટ ઓઆરજીના રિપોર્ટ અનુસાર ફેડરલ કમિટી કોઇ ખર્ચ કરતી નથી તો પણ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. ફેડરલ કમિટીએ અત્યાર સુધીમાં 7.2 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ આંકડો હજુ પણ વધે તેવી સંભાવના છે.

આ વખતે પ્રેસિડેન્શિયલ કેમ્પેનમાં રૂપિયા ખર્ચ કરવાની રીત બદલાઇ છે. ઉમેદવારોએ વર્ષ 2016ની ચૂંટણીની તુલનાએ આ વખતે ટ્રાવેલ અને ઇવેન્ટ્સ પર ઓછો ખર્ચ કર્યો છે. પરંતુ આ વખતે મીડિયા પર ખર્ચ અનેકગણો વધાર્યો છે. ટ્રમ્પ અને બાઇડેન વર્સેટાઇલ ઓનલાઇન એડ્સ પર રેકોર્ડ તોડ ખર્ચ કરી રહ્યા છે.

2020ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સે રિપબ્લિકનને પાછળ મૂક્યું છે. અત્યારસુધીના ખર્ચમાં ડેમોક્રેટસની ભાગીદારી 54 ટકા રહી હતી પરંતુ રિપબ્લિકનનો ભાગ 39 ટકા રહ્યો છે.

અમેરિકાની ચૂંટણીની ભારતીય ચૂંટણી સાથે તુલના કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અંદાજે 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા, આ પહેલાની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ તો તેમાં પણ 45 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. તેથી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની સૌથી મોંઘી ચૂંટણી કહેવામાં આવતી હતી. જો કે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી તેનાથી પણ મોંઘી સાબિત થશે.

(સંકેત)