Site icon Revoi.in

કેનેડાના PRનું સપનું થશે સાકાર, કેનેડાની સરકાર 3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને આપશે વિઝા

Social Share

ઓટ્ટાવા: દર વર્ષે લાખો ગુજરાતીઓ કેનેડા જાય છે અને મોટા ભાગનો યુવાવર્ગ પણ કેનેડામાં જઇને સેટ થવાનું સપનું જોતા હોય છે ત્યારે હવે કેનેડામાં સેટ થવા લોકો અને ગુજરાતીઓ માટે ખુશખબર છે. કેનેડા આગામી ત્રણ વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને વિઝા/પીઆર આપવા માટે કટિબદ્વ છે. દેશના ઇમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોએ આ ઇમિગ્રેશન યોજના અંગે જણાવ્યું હતું.

કેનેડાની સરકાર કોરોનાના કારણે માંદા પડેલા અર્થતંત્રને ગતિ આપવા તેમજ લેબર માર્કેટમાં સર્જાયેલા ગેપ ભરવા માટે મોટા પાયે વિદેશીઓને આવકાર આપવા માટે પ્રતિબદ્વ છે.

વર્ષ 1911 પછી પ્રથમવાર કેનેડા આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને PR આપવા જઇ રહ્યું છે. જેમાં વર્ષ 2021માં જ ઇકોનોમિક ક્લાસના 2,32,500 ઇમિગ્રન્ટ્સને દેશમાં આવકારવાનો પ્લાન છે.

તે ઉપરાંત વર્ષ 2021માં કેનેડામાં હાલ જેઓ વસવાટ કરી રહ્યા છે તેમના 1,03,500 જેટલા પરિવારજનોને પણ વિઝા કે પીઆર અપાશે. આ સિવાય 59,500 રેફ્યુજી અને અન્ય પ્રોટેક્ટેડ લોકોને કેનેડા આવકારશે.

ઓટ્ટાવામાં પત્રકારોને સંબોધિત કરતા મેન્ડિસિનોએ જણાવ્યું હતું કે, સરકાર વર્ષ 2021માં 4,01,000 લોકોને પીઆર આપવા તૈયાર છે. આ આંકડો વર્ષ 2022માં 4,11,000 અને વર્ષ 2023માં 4,21,000ને પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કેનેડામાં વધુ કામદારોની આવશ્યકતા છે અને તેની આપૂર્તિ ઇમિગ્રેશન દ્વારા થઇ શકે એમ છે. કેનેડા ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ, હેલ્થકેર જેવા સેક્ટર્સ માઇગ્રેટેડ લેબર્સ પર જ નભે છે. હાલના દિવસોમાં આ સેક્ટર્સમાં કામ કરતા અને કોરોનાનો ચેપ લાગી જવાનું જોખમ ધરાવતા વસાહતીઓને પીઆર આપવાની માગણીએ પણ જોર પકડ્યું છે.

મહત્વનું છે કે, કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ વર્ષોથી એક મોડેલ સિસ્ટમ ગણાવાય છે, જેના અંતર્ગત અત્યારસુધી લાખો સ્કીલ્ડ વર્કર્સ તેમજ રેફ્યુજી ઉપરાંત, પોતાના કેનેડા સ્થિત પરિવારજનો સાથે રહેવા માગતા લોકોને વિઝા, પીઆર કે નાગરિકત્વ આપવામાં આવ્યા છે.

(સંકેત)