Site icon Revoi.in

COVID-19 વેક્સીન માટે તૈયાર થયો Covax પ્લાન, નોંધણી માટેની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે દરેક દેશના નાગરિકો કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યા છે. જેનાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમજ મોતનો ખતરો ઓછો કરી શકાય. આ જ દિશામાં વિશ્વ આરોગ્ય સંગઠનની આગેવાનીમાં બનેલા એક પ્લાન પ્રમાણે 76 દેશોએ સહી કરી છે. આ પ્લાન મુજબ કોરોના વેક્સીનની ખરીદી અને તેનું વિતરણ કરવામાં આવશે, જેનાથી તમામને આ રસી મૂકી શકાય.

વિશ્વ આરોગ્ય સંગઠનની આગેવાની હેઠળના આ પ્લાનને COVAX નામ આપવામાં આવ્યું છે. વિવિધ દેશ માટે આ યોજનામાં સામેલ થવા માટે અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર છે.

આ પ્લાન હેઠળ અત્યારસુધી જાપાન, જર્મની, નોર્વે સહિત 76 દેશે આના પર હસ્તાક્ષર કર્યા છે. અત્યારસુધી ઊચ્ચ અને મધ્યમ આવકવાળા 76 દેશે આ યોજનાનો ભાગ બનવા માટે સહમતિ આપી છે તેવું GAVIના ચીફ એક્ઝિક્યુટિવ સેથ બર્કલેએ જણાવ્યું હતું. આ સંખ્યામાં વધારો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બર્કલે વધુમાં ઉમેર્યું હતું કે, આ ખરેખર સારા સમાચાર છે. આના પરથી કહી શકાય કે Covax પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. અમને આશા છે કે દુનિયાભરના લોકો આના પ્રત્યે આકર્ષિત થશે. ચીને અત્યારસુધી આ યોજનામાં ભાગીદાર બનવા માટે હા નથી પાડ પરંતુ અમને લાગે છે કે ચીન પણ સામેલ થશે.

જોકે, આ યોજનામાં અમેરિકા સામેલ નથી. અમેરિકાનું કહેવું છે કે આ યોજનામાં WHO સામેલ હોવાથી તેઓ સામેલ નહીં થાય. WHO અને મહામારી સાથે જોડાયેલી તૈયારી માટે બનાવવામાં આવેલા CEPIનું ગઠબંધન ગાવી (Gavi) આ પ્રૉજેક્ટની આગેવાની કરી રહ્યું છે. જેનો ઉદેશ્ય દુનિયાની અલગ અલગ સરકાર તરફથી કોવિડ-19નો સંગ્રહ ન કરવામાં આવે અને સૌથી પહેલા એવા લોકો સુધી વેક્સીન પહોંચે જેને સૌથી વધારે ખતરો હોય તેવો છે.

નોંધનીય છે કે, COVAXનો ઉદેશ્ય છે કે વર્ષ 2021ના અંત સુધીમાં કોવિડ-19ની સ્વીકૃત હોય તેવા બે અરબ ડોઝની ખરીદી અને વેચાણ થાય. હાલ તેમના પોર્ટફોલિયોમાં કોવિડ-19 વેક્સીન બનાવતા નવ ઉત્પાદકો છે. આ તમામ ઉત્પાદકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે. WHO તમામ દેશ માટે COVAXને અમૂલ્ય વીમા પૉલિસી ગણાવે છે. WHOનું કહેવું છે કે જ્યારે સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન આવશે ત્યારે તમામ લોકો સુધી તેની પહોંચ હશે. દેશો તરફથી આ યોજનામાં સામેલ થવા માટે અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર છે.

(સંકેત)