Site icon Revoi.in

Nobel Peace Prize 2020: યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબલ શાંતિ પારિતોષિક એનાયત

Social Share

નોર્વે: નોર્વેની નોબલ કમિટીએ આ વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર (Noble Peace Price) વિજેતાની જાહેરાત કરી છે. આ વર્ષનો નોબલ શાંતિ એવોર્ડ યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યો છે. નોબલ શાંતિ પુરસ્કારના ઇતિહાસમાં આ ચોથી એવી ઘટના છે જ્યારે 300થી વધારે ઉમેદવારી આવી હતી. આ સન્માન માટે પ્રેસ ફ્રીડમ જૂથ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ મજબૂત દાવેદાર હતા.

જો કે, આ બધા વચ્ચે જ્યૂરીએ પુરસ્કાર માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની પસંદગી કરી હતી. પુરસ્કાર માટે નામની પસંદગી કરનાર સમિતિએ વિશ્વભરના લોકોની પેટની ભૂખ ઠારવા માટે પીડિતોની મદદ કરતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ભૂમિકાને મહત્વની ગણાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નૉર્વેની નોબલ કમિટીના અધ્યક્ષ બેરિટ રાઇસ એન્ડર્સને જણાવ્યું કે, વર્ષ 2019માં 88 દેશના આશરે 10 કરોડ લોકો સુધી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સહાય પહોંચી હતી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સમગ્ર વિશ્વમાં ભૂખ મીટાવવા અને ખાદ્ય સુરક્ષામાં વધારો કરનાર સૌથી મોટું સંગઠન છે.

આપને જણાવી દઇએ કે નોબલ શાંતિ એવોર્ડ માટે આ વર્ષે 318 ઉમેદવારી આવી હતી, જેમાં 211 વ્યક્તિ અને 107 સંસ્થા સામેલ છે. જો કે, આ યાદીમાં સામેલ નામને 50 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવે છે.

શું છે World Food Programme (WFP)?
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ભૂખમરો મીટાવવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રીત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં કટોકટીની સ્થિતિમાં તેનું કામ એ જોવાનું છે કે કઈ રીતે જરૂરિયાતવાળાઓ સુધી ખાદ્ય સામગ્રી પહોંચે. ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આફતોના સમયે. ભારતમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે સીધી રીતે ખાદ્ય સહાયતા પ્રદાન કરવાની જગ્યાએ ભારત સરકારને ટેક્નિકલ સહાયતા અને ક્ષમતા નિર્માણ સેવાઓ પ્રદાન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ (2019)નો નોબલ શાંતિ એવોર્ડ ઇથિયોપિયાના વડાપ્રધાન એબી અહમદ અલીને મળ્યો હતો. પોતાના પાડોશી દેશ એરિટ્રિયા સાથે શાંતિપૂર્ણ રીતે સીમા વિવાદ ઉકેલવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

(સંકેત)