Site icon Revoi.in

વર્ષ 1930ના ગ્રેટ ડિપ્રેશન બાદ વિશ્વમાં આ સૌથી મોટી આર્થિક મંદી: વિશ્વ બેંક

Social Share

વોશિંગ્ટન:  કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં ગરકાવ થઇ ગયું છે અને અનિશ્વિતતાનો માહોલ પ્રવર્તિત છે ત્યારે હવે વિશ્વ બેંકે પણ વૈશ્વિક અર્થતંત્રને લઇને નિવેદન આપ્યું છે. વર્ષ 1930ના દાયકામાં ગ્રેટ ડિપ્રેશન બાદ હવે ફરીથી દુનિયા આર્થિક મંદીમાંથી પસાર થઇ રહી છે. કોવિડ-19ને કારણે વિશ્વમાં આર્થિક મંદી ફેલાઇ હોવાનું વિશ્વ બેંકે જણાવ્યું હતું. વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે આ માહિતી આપી હતી.

વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે કોરોના વાયરસના રોગચાળાને ગરીબ અને વિકાસશીલ દેશો માટે વિનાશક ગણાવ્યો હતો. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દેશોની સામે સૌથી મોટી સમસ્યા શાળાઓને ફરીથી શરૂ કરવાની છે.

કોવિડ-19ના સંક્રમણને રોકવા અને અંકુશમાં રાખવા તેમજ વેક્સીનના સંશોધન માટે દુનિયાના વિકાસશીલ દેશો આર્થિક તંગી અનુભવી રહ્યા છે ત્યારે વિશ્વ બેંકે કોરોનાને હરાવવા માટે 12 અબજ ડોલરની આર્થિક મદદ જાહેર કરી છે. આ રકમનો ઉપયોગ કોરોના વાયરસની તૈયાર થયેલી રસી ખરીદવા, વિતરણ કરવા અને તપાસ સારવાર માટે છૂટ અપાઇ છે. આ આર્થિક મદદથી 1 અબજ લોકોને ફાયદો થશે.

કોરોના વાયરસના રોગચાળાને ઇમરજન્સી જાહેર કરીને 111 દેશોમાં આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી છે. કોરોના મહામારીને પગલે આર્થિક પ્રગતિમાં અવરોધ જોવા મળ્યો છે ત્યારે વિકાસશીલ દેશના નાગરિકોને કોવિડ-19 સામે સુરક્ષા અને અસરકારક વેક્સીનની આવશ્યકતા છે. કોરોનાનો સામનો કરવા માટે વિશ્વ બેંક પોતાના દ્રષ્ટિકોણને વધુ વ્યાપક બનાવી રહી છે.

(સંકેત)