Site icon Revoi.in

ભારતીયો માટે મહત્વના સમાચાર, અમેરિકા H-1B વિઝાની સંખ્યા ઘટાડશે, નવા નિયમો થશે લાગુ

Social Share

વોશિંગ્ટન:  અમેરિકા જઇને સેટ થવા માંગતા પ્રોફેશનલ્સ માટે એક મહત્વના સમાચાર છે. ટ્રમ્પ પ્રશાસને અન્ય દેશોના કુશળ શ્રમિકોને આપતા વિઝાની સંખ્યામાં કાપ મૂકતો પ્લાન જાહેર કર્યો છે. અધિકારીઓ અનુસાર કોરોના વાયરસ રોગચાળાને કારણે ગયેલી નોકરીઓને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે નવા નિયમો મુજબ નક્કી થશે કે કોને વર્ક વિઝા મળી શકે છે. નવા નિયમો વિદેશી શ્રમિકોને નોકરીઓ પર રાખનાર કંપનીઓ માટે વેતનને લઇને પણ ધારાધોરણ નક્કી કરવામાં આવશે.

નવા નિયમો હેઠળ હાલના વર્ષોમાં આવેદન કરનારા એક તૃતીયાંશ લોકોને H-1B વિઝા આપવા પર પ્રિતબંધ મૂકવામાં આવશે તેવું DHSનું અનુમાન છે. આ સાથે જ H-1B પ્રોગ્રામ હેઠળ વિશેષ વ્યવસાયો માટે આપવામાં આવતા વિઝાની સંખ્યામાં પણ ઘટાડો થશે.

અમેરિકામાં કાયદેસર અને ગેરકાયદેસર સ્થળાંતર પર રોક લગાવવા માટે આ નવા નિયમો જાહેર થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ મુદ્દો ટ્રમ્પ વધુ ચગાવી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે આ અગાઉ એક ફેડરલ જજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાર વર્ક વિઝા જારી કરવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધને અસ્થાયી રૂપથી રોકી દીધા છે. તેઓએ કહ્યું હતું કે નીતિમાં સમૂળગું પરિવર્તન જનહિતમાં નથી.

નોંધનીય છે કે, દર વર્ષે H-1B વિઝા પર મોટા ભાગના આઇટી પ્રોફેશનલ્સ અમેરિકા જતા હોય છે, જો કે છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પનું આ વિઝા પ્રત્યેનું વલણ અક્કડ જોવા મળ્યું છે. ટ્રમ્પ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે આ વિઝા પર આવતા લોકોને કારણે અમેરિકામાં સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી અને તેથી તેઓ આ વિઝાના એલોટમેન્ટ પર અંકુશ લાવી રહ્યા છે.

(સંકેત)