Site icon Revoi.in

UAEએ વધુ એક સિદ્વિ હાંસલ કરી, લિક્વિડ નેનોક્લે પદ્વતિથી રણમાં ઉગાડ્યા ફળ-શાકભાજી

Social Share

યુએઇ ચારેય તરફ રણથી ઘેરાયેલો દેશ છે. જો કે યુએઇએ છેલ્લા કેટલાક વર્ષોમાં સખત પરિશ્રમથી વિકાસની અવિરત હરણફાળ ભરી છે. હવે યુએઇએ અશક્ય વસ્તુને પણ શક્ય કરી બતાવી છે. જી હા, લોકડાઉનમાં 40 દિવસના પ્રયોગ પછી યુએઇએ સાબિત કરી દીધું છે કે રેતીમાં પણ તરબૂચ અને ગલકાં જેવાં ફળ-શાકભાજીની ખેતી કરી શકાય છે. યુએઇ તાજા ફળ-શાકભાજીની 90 ટકા જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. તેના માટે રણને ફળ અને શાકભાજીના બગીચામાં રૂપાતંરિત કરવાની આશા કોઇ અજાયબીથી ઓછી નથી. વૈજ્ઞાનિકોને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્વતિ અર્થાત્ ભીની ચીકણી માટીને કારણે મળી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 40 ચોરસ ફૂટના શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનાવાશે. આવા અનેક કન્ટેનર રણવાળા દેશોમાં સ્થાપિત કરાશે જેથી સ્થાનિક માટીનો ઉપયોગ કરીને તે દેશના રણમાં ખેતી કરી શકાય. આવા દરેક કન્ટેનરથી 40 હજાર લિટર લિક્વિડ નેનોક્લેનું પ્રતિકલાકની ઝડપે ઉત્પાદન કરાશે.

તેનો ઉપયોગ યુએઇના સિટી પાર્કલેન્ડમાં કરાશે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ પદ્વતિમાં પાણીનો ઉપયોગ 45 ટકા સુધી ઘટી જશે. હાલ એક ચો.મીટર જમીન પર આ ટેક્નોલોજીના ઉપયોગ પાછળ બે ડોલર એટલે કે 150 રૂપિયાનો ખર્ચ થાય છે.

હજારો વર્ષોથી નદી કિનારે રેતાળ જમીનમાં તરબૂચ, ટેટી, કાકડી ઉગાડાય છે. તેનું કારણ એ છે કે વરસાદ દરમિયાન અને તેના પછી નદી સિલ્ટ(ચીકણી માટી)ને પોતાની સાથે વહાવીને લઈ જાય છે અને આ જ સિલ્ટનું લેયર રેતમાં ભળી જાય છે જેના લીધે આ પ્રકારની પેદાશ થાય છે.

મહત્વનું છે કે, ઈજિપ્તમાં વિજ્ઞાનીઓએ નોંધ્યું કે આસવાન ડેમ બાંધવાને લીધે નીલ નદીની આજુબાજુ પેદાશમાં ભયંકર ઘટાડો નોંધાયો છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ડેમમાં સિલ્ટ જમા થવા લાગ્યું, જેના લીધે નદીની આજુબાજુ પેદાશ ઘટી ગઈ. આ કારણને શોધતી વખતે જ વિજ્ઞાનીઓને આ નવી ટેક્નોલોજી વિકસાવવામાં મદદ મળી.

(સંકેત)