Site icon Revoi.in

યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છે ખનીજનો ભંડાર, અહીંયા 75.55 લાખ કરોડની ખનીજ ઉપલબ્ધ

Social Share

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી ત્યાં સ્થિતિ સતત કફોડી બની રહી છે. ભૂખમરો, રોકડની અછત, પ્રજા પર તાલિબાનનો અત્યાચાર, મહિલાઓ પર પ્રતિબંધો જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે આ યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાન પાસે લાખો કરોડો રૂપિયાનો ખજાનો છે.

અફઘાનિસ્તાનમાં 75.55 લાખ કરોડ રૂપિયાના નેચરલ રિસોર્સ હોવાનો દાવો અફઘાનિસ્તાનના માઇનિંગ અને પેટ્રોલિયમ મંત્રાલયે કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશના પેટાળમાં 2.22 લાખ કરોડ કિલો આર્યન ઓર, 1.30 લાખ કિલો માર્બલ તેમજ 1.40 લાખ કિલો દુર્લભ ધાતુ એટલે કે રેર મેટલ છે.

અફઘાનિસ્તાનમાં ખનીજ ભંડારનો અભ્યાસ કરનારા જીઓલોજીસ્ટ મોન્ટ ગોમરી અનુસાર, જો અફઘાનિસ્તાનમાં 10 વર્ષ સુધી મોટા પાયે ખનિજ કાઢવાનું કામ ચાલે તો દેશની આર્થિક રીતે ઉપર આવી શકે છે. જો કે બીજી તરફ ત્યાં કાયદાઓ નબળા છે તેમજ ભ્રષ્ટાચારને કારણે માઇનિંગ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ ગયો છે.

વર્ષ 1960 અને 70ના દાયકાની આસપાસ સોવિયત યુનિયન અને પૂર્વ યુરોપના દેશોએ અહીંયા અનેક સર્વે કર્યા હતા. જો કે સતત ત્યાં ગૃહ યુદ્વ ચાલી રહ્યા હોવાથી ખનીજો મેળવવાની કોઇ જ કામગીરી હાથ ધરાઇ નથી.

આપને જણાવી દઇએ કે, 2010માં યુનાઈટેડ સ્ટેટસ જિઓલોજિકલ સર્વે તેમજ અફઘાનિસ્તાન જિઓલોજિકલ સર્વે દ્વારા મળીને 34 રાજ્યોમાં 24 જગ્યાઓએ ખનીજનો ભંડાર હોવાનુ તારણ કાઢવમાં આવ્યુ હતુ. આ ભંડારની કિંમત 75.22 લાખ કરોડ રુપિયા થવા જાય છે.ખનીજના ભંડારમાં 15.39 કરોડ કિલો લીડ અને ઝિન્ક, 10 કરોડ કિલો સેલેસટાઈટ અને 2698 કિલો સોનાનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાન પાસે એટલા વિપુલ પ્રમાણમાં લોખંડ છે કે તેનાથી બે લાખ એફિલ ટાવરનું નિર્માણ થઇ શકે છે. હાલના એફિલ ટાવરમાં 73 લાખ કિલો લોખંડનો વપરાશ થયો છે. અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં 18300 કિલો એલ્યુમિનિયમ પણ મોજૂદ છે. અહીંયા 12400 કિલો કોપર પણ મળી આવે તેમ છે.