Site icon Revoi.in

ડીસામાં લોડિંગ રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા ST બસમાં ઘૂંસી જતા 8 પ્રવાસીઓ ઘવાયાં

Social Share

ડીસાઃ બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ડીસામાં બનાસપુર પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક લોડિંગ રિક્ષામાં લોખંડના સળિયા ભરેલા હતા. લોડિંગ રિક્ષા ધીમી ગતિએ જઈ રહી હતી. ત્યારે પાછળ આવેલી એક એસટી બસે ઓવરટેક કરતા લોડિંગ રિક્ષા પલટી જતાં લોખંડના સળિયા કાચ તોડીને એસટી બસમાં ઘુંસી જતાં કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, ડીસામાં બનાસપુલ પાસે બસ અને લોડિંગ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ રૂટની બસ ડીસામાં બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસચાલક લોડિંગ રિક્ષાની ઓવરટેક કરી રહ્યો હતો. તે સમયે અચાનક રિક્ષાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષા પલટી ખાતા તેમાં ભરેલા લોખંડના સળિયા સાઈડમાંથી પસાર થતી બસના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. લોખંડના સળિયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહીલુહાણ થઈ ગયા હતા.

આ ઘટનાને પગલે તરત જ આજુબાજુના લોકો અને વાહનચાલકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસાની બે અને ગઢની એક એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમો પણ તરત જ બનાવસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.