Site icon Revoi.in

ઈઝરાયલ-ઈરાન તાત્કાલિક હુમલા બંધ કરેઃ ટ્રમ્પની બંને દેશોને ચેતવણી

Social Share

વોશિંગ્ટન, 8 જૂન 2026: પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ સ્થાપવા માટે ખૂબ જ મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. ટ્રમ્પે ઇઝરાયેલ અને ઈરાન બંને દેશોને તાત્કાલિક પ્રભાવથી એકબીજા પરના હુમલા અને ગોળીબાર બંધ કરવા કડક શબ્દોમાં આદેશ આપ્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને ટ્રમ્પે લખ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાને તાત્કાલિક યુદ્ધ રોકવું જોઈએ. નોંધનીય છે કે, 7 જૂન 2026ના રોજ સામે આવેલા અહેવાલો મુજબ, ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરીને ઈરાનના મિસાઈલ હુમલાનો વળતો જવાબ ન આપવા આગ્રહ કર્યો હતો. ટ્રમ્પના મતે જો ઇઝરાયેલ ફરી હુમલો કરશે, તો છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો જોખમમાં મુકાઈ જશે.

અમેરિકી મીડિયા આઉટલેટ ‘એક્સિયોસ’ના અહેવાલ મુજબ, રવિવારે ઈરાન દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પે તાબડતોબ નેતન્યાહુનો સંપર્ક કર્યો હતો. ટ્રમ્પ ઈચ્છે છે કે આ નવા તણાવના કારણે શાંતિ પ્રક્રિયાને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. વિખ્યાત ન્યૂઝ ચેનલ ‘ફોક્સ ન્યૂઝ’સાથેની વાતચીતમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, “આપણે શાંતિ સમજૂતીની ખૂબ જ નજીક છીએ. મને આશા છે કે આગામી સોમવાર, મંગળવાર કે બુધવાર સુધીમાં આ ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.”

ટ્રમ્પે માત્ર ઇઝરાયેલ જ નહીં, પરંતુ ઈરાનને પણ સ્પષ્ટ ચેતવણી સાથે સમજાવટનો સૂર અપનાવ્યો છે. તેમણે ઈરાનને સંદેશ આપતા કહ્યું કે, “તમે તમારી મિસાઈલો દાગી દીધી, હવે એટલું પૂરતું છે. હવે જીદ છોડો, વાટાઘાટોના ટેબલ પર પાછા ફરો અને શાંતિ કરાર કરો.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાનના આ હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી, તેથી ઇઝરાયેલ વળતો પ્રહાર કરવાનું ટાળશે તેવી આશા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “જો બેન્જામિન નેતન્યાહુ ફરીથી હુમલો કરશે, તો આ હિંસાનો સિલસિલો અટકશે નહીં અને છેલ્લા ઘણા દાયકાઓની જેમ ચાલતો જ રહેશે.”

આંતરરાષ્ટ્રીય અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’સાથેની વાતચીતમાં ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન પ્રત્યે કડક વલણ અપનાવતા કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે જે પણ કરાર કરશે, તેને નેતન્યાહુએ સ્વીકારવો જ પડશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “તેમની (નેતન્યાહુ) પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.” આ ઉપરાંત, ટ્રમ્પે રવિવારે લેબનાનની રાજધાની બેરૂત પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓની પણ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ સૈન્ય કાર્યવાહીથી “ખુશ નથી”. ‘એક્સિયોસ’ના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પે નેતન્યાહુને ફોન પર સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ થોડો સમય શાંત રહે અને હુમલા રોકે, કારણ કે શાંતિ કરાર ગમે ત્યારે થઈ શકે છે.

Exit mobile version