Site icon Revoi.in

ઈસરોએ ચંદ્રની સપાટી પર ચાલતા Rover Pragyan નો વીડિયો કર્યો જાહેર

Social Share

બેંગલુરુ:  ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ સમગ્ર વિશ્વ ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી આવી રહેલી જાણકારીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ઇસરો પણ સમયાંતરે આ મિશન સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. આ દરમિયાન એજન્સીએ એક્સ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આવામાં ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ઉતરતું જોઇ શકાય છે.

ઈસરોનો નવો વીડિયો વિક્રમ લેન્ડરના કેમેરાથી લેવામાં આવ્યો છે. આમાં પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવીને રેમ્પ પર ધીરે ધીરે ઉતર્યા બાદ ચંદ્રની સપાટી પર આગળ વધતો જોઇ શકાય છે. ઈસરોએ કહ્યું કે આ વીડિયો 23 ઓગસ્ટના રોજ વિક્રમના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદનો છે.

આ પહેલા ઈસરોએ 24 ઓગસ્ટના રોજ પણ એક વીડિયો શેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે લેન્ડર ઇમેજર કેમેરાએ સપાટી પર ઉતરતા પહેલા ચંદ્રને કેપ્ચર કર્યો હતો.

અન્ય એક ટ્વિટમાં ઈસરોએ કહ્યું કે, “તમામ ગતિવિધિઓ નિર્ધારિત સમય પર છે. બધી જ સિસ્ટમો નોર્મલ છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE એ આજથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. રોવરની મોબિલિટીની કામગીરી શરૂ થઈ ગઈ છે. પ્રોપલ્શન મોડ્યુલ પર શેપ પેલોડ રવિવારે શરૂ કરવામાં આવ્યો હતો, એમ ઇસરોએ જણાવ્યું હતું.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ બુધવારે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’થી સજ્જ લેન્ડર મોડ્યુલનું સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કર્યું, જેનાથી અંતરિક્ષના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચાયો. આ સાથે જ ભારત આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ અને પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના અજ્ઞાત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો.