Site icon Revoi.in

ઈન્ડો-તિબેટ બોર્ડર પર વધી ચીનની હલચલ, ITBPએ વધુ નવ બટાલિયનોની કરી તાત્કાલિક માગણી

Social Share

અરુણાચલ પ્રદેશ સાથેની ચીનનની સીમા પર પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો તરફથી અવાર-નવાર થતી ઘૂસણખોરી પર લગામ લગાવવા માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સે ગૃહ મંત્રાલય પાસે વધુ નવ બટાલિયનોની માગણી કરી છે.

ભારત અને ચીન સીમા પર ભારતીય સેના સાથે લેહથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી આઈટીબીપીના જવાનો તેનાત રહે છે. ચીનના સૈનિકો ઘણીવાર લેહથી લઈને ઉત્તરાખંડના બારોહોતી અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરતા રહે છે. અરુણાચલ પ્રદેશમાં આઈટીબીપીની એક પોસ્ટથી બીજી પોસ્ટ વચ્ચેનું અંતર ઘણાં સ્થાનો પર 100 કિલોમીટરથી પણ વધુ છે. તેવામાં ચીનના સૈનિકોની ઘૂસણખોરીની જાણકારી યોગ્ય સમયે મળી રહી નથી.

પર્વતીય અને જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું સરળ હોતું નથી અને કેમ્પની વચ્ચે ઘણાં કિલોમીટરનું અંતર હોવાથી આ સમસ્યા વધુ જટિલ થઈ જાય છે. ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ મુજબ, આઈટીબીપીની ફાઈલ ઘણાં મહીનાઓથી મંત્રાલયમાં વિલંબિત પડી છે. આ ફાઈલ પર સંરક્ષણ મંત્રાલયની પણ સંમતિ જરૂરી છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારી પ્રમાણે, અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારને બેહદ સંવેદનશીલ માનવામાં આવે છે. તેમ છતાં લેહ અને બારોહતીના મુકાબલે અરુણાચલ પ્રદેશમાં આઈટીબીપીની સંખ્યા ઓછી છે. તેવામાં આઈટીબીપી વધુ નવ બટાલિયનોની મંજૂરી મળે તેવું ઈચ્છી રહી છે. આ મામલે હજી સંરક્ષણ મંત્રાલયના જવાબની રાહ જોવાઈ રહી છે.

આમ જોવામાં આવે તો ભારતીય સેના આઈટીબીપી પર ઓપરેશનલ કંટ્રોલ ઈચ્છી રહી છે. તેના દ્વારા સેના અને આઈટીબીપી વચ્ચે સારો તાલમેલ સ્થાપિત કરવાની ગણતરી પણ છે. જો કે આના સંદર્ભે આઈટીબીપી વધારે ઉત્સુક નથી. એટલું જનહીં, પણ તાજેતરમાં વન બોર્ડર વન ફોર્સની તર્જ પર હાલમાં એ મંથન ચાલી રહ્યું છે કે મ્યાંમાર સાથેના ભારતીય સરહદી વિસ્તારોની જવાબદારી કોને સોંપવામાં આવે. આ વિસ્તારમાં હાલ આસામ રાઈફલ્સના જવાનોની તેનાતી છે. આસામ રાઈફલ્સને સેનાના અધિકારી લીડ કરતા હોય છે.

સૂત્રોનું માનવું છે કે આવી જ રીતે સેના ભારત અને ચીનની વચ્ચેની એલએસી પર આઈટીબીપી પર ઓપરેશનલ કંટ્રોલ ઈચ્છી રહી છે. તેના કારણે જ આઈટીબીપીની નવી નવ બટાલિયન ઉપલબ્ધ કરાવવાના નિર્ણય પર વિલંબ થઈ રહ્યો છે. આઈટીબીપીના એક અધિકારીનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશમાં અમારા જવાનો માટે એક પોસ્ટતી બીજી પોસ્ટને મેન્ટેન કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. તેવામાં અમે એ ઈચ્છીએ છીએ કે આ મામલામાં ગૃહ મંત્રાલય ઝડપથી નિર્ણય કરે.

તાજેતરમાં દેશની પૂર્વ સરહદે ચીનના સૈન્ય જમાવડા પર વધતી ચિંતા વચ્ચે સરકારે સામરીક રીતે મહત્વની આઈટીબીપીની કમાનને ચંદીગઢથી લેહ મોકલવાનો આદેશ જાહેર કર્યો હતો. આઈટીબીપીને લડાખની આઠ હજારથી 14 હજાર ફૂટની બર્ફીલી પહાડીઓ  પર 40 સીમા ચોકીઓ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અહીં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી નીચે સુધી ચાલ્યું જાય છે. આ સીમા ચોકીઓમાં હવામાન નિયંત્રણ તંત્ર સહીતની અન્ય સુવિધાઓ પણ હશે.

અત્યાર સુધીમાં લેહમાં આઈટીબીપીનું એક સેક્ટર પ્રતિષ્ઠાન છે. તેનું નેતૃત્વ ડીઆઈજી રેન્કના એક અધિકારી કરે છે. તેના લગભગ 90 હજાર સુરક્ષાકર્મીઓ મનોરમ પેંગોંગ સરોવરના નિરીક્ષણ સહીત ચીનમાંથી પસાર થનારી હિમાલયની પર્વતીય શ્રૃંખલાના ઉપરના હિસ્સા પર પણ નજર રાખે છે.