નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે આતંક સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે આતંકવાદી બિટ્ટા કરાટેની પત્ની સહિત ચાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. ચારેય કર્મચારીઓને બંધારણની કલમ હેઠળ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1990ના દાયકામાં કાશ્મીરમાં પંડિતો ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. દરમિયાન બિટ્ટા કરાટે એક ટીવી ઈન્ટરવ્યુહમાં કાશ્મીરી પંડિતોની હત્યા કર્યાની કબુલાત કરી હતી. હાલ બિટ્ટા કરાટે વિદેશી ફંડીગના કેસમાં જેલમાં બંધ છે. દરમિયાન બિટ્ટા કરાટેની પત્ની અને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી એસ્બા અર્જુમંદ ખાનને જમ્મુ-કાશ્મીર સરકારે એલજી મનોજ સિન્હાના નિર્દેશ પર બરતરફ કરી દીધા છે. તે 2011 બેચની KAS અધિકારી અને ગ્રામીણ વિકાસ વિભાગમાં વરિષ્ઠ અધિકારી હતી. એસ્બા જેકેએલએફને ટેકો આપવામાં સામેલ હોવાનું જણાયું હતું.
આ ઉપરાંત કાશ્મીર યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરને પણ બરતરફ કરવામાં આવ્યા છે. જેકેડીઆઈમાં મેનેજર તરીકે કામ કરતા અબ્દુલ મુઈદને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. અબ્દુલ મુઈદ પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનનો પુત્ર છે. તેના પર આરોપ છે કે તે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બિટ્ટા કરાટેનું સાચું નામ ફારૂક અહમદ ડાર છે. તેને તેનું નામ બિટ્ટા કરાટે પડ્યું કારણ કે તેને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી. તે આતંકવાદી અને અલગતાવાદી નેતા યાસીન મલિકના પ્રતિબંધિત સંગઠન JKLFનો સભ્ય રહી ચૂક્યો છે. બિટ્ટા કાશ્મીરી પંડિત સતીશ ટિક્કુ અને અન્ય લોકોની હત્યાનો આરોપી છે. સતીશ ટીક્કુની વર્ષ 1990માં હત્યા કરવામાં આવી હતી. તેના પર બિટ્ટા કરાટેનો આરોપ હતો.
1991માં, બિટ્ટા કરાટેએ એક ટીવી ચેનલ પર ઇન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે તેણે સતીશ ટિક્કુ સહિત ડઝનેક કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી, ત્યારબાદ કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી ભાગી ગયા હતા. જો કે, બાદમાં પોતાની કબૂલાતથી પલટાઈને બિટ્ટાએ કહ્યું હતું કે તેણે કોઈની હત્યા કરી નથી અને ટીવી ચેનલના દબાણ હેઠળ આ નિવેદન આપ્યું હતું.
બિટ્ટાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા વર્ષ 2019માં ટેરર ફંડિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. આ પહેલા, નવેમ્બર 1990 થી 2006 વચ્ચે, તે હત્યા અને અન્ય વિવિધ આરોપ હેઠળ લગભગ 16 વર્ષ જેલમાં રહ્યો હતો. 2006 માં, ટાડા કોર્ટે તેમની સામે આરોપો ઘડવામાં અતિશય વિલંબના આધારે તેમને જામીન આપ્યા હતા. થોડા મહિના પહેલા આવેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સથી બિટ્ટા કરાટેના કારનામા દુનિયા સમક્ષ આવ્યાં હતા.