Site icon Revoi.in

ભાજપના નેતા કવિન્દર ગુપ્તાનું નિવેદન, લખનૌમાં કાશ્મીરી યુવકોની પિટાઈ એક્શનનું રિએક્શન

Social Share

લખનૌમાં બે કાશ્મીરી યુવકોની પિટાઈ બાદ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન કવિન્દર ગુપ્તાએ તેના પર ટીપ્પણી કરી છે. તેમણે આ ઘટનાને ક્રિયાની પ્રતિક્રિયા ગણાવીને તેને એક રીતે યોગ્ય ઠેરવવાની કોશિશ કરી છે.

ભાજપના નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના નેતા અહીંનો માહોલ ખરાબ કરતા રહ્યા છે, તેની પ્રતિક્રિયા દેશમાં જોવા મળી રહી છે. તેમણે કહ્યુ છે કે હિંદુસ્તાનમાં રહેના હોગા, વંદેમાતરમ, જયહિંદ તો કહેના હોગા.

કવિન્દર ગુપ્તાએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના નેતા સુરક્ષાદળો અને તિરંગા બાબતે વાંધાજનક વાતો કરે છે. આ બંનેની સાથે દેશના લોકોની ભાવનાઓ જોડાયેલી છે. સુરક્ષાદળો અને તિરંગા બાબતે કંઈપણ ખોટું કહેવામાં આવશે, તો દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળશે. કાશ્મીરી યુવકોની લખનૌ ખાતે કરવામાં આવેલી પિટાઈનો વીડિયો સામે આવ્યો છે. તેના પછી તેમની સુરક્ષા પર સવાલો ઉઠવા લાગ્યા છે.

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં બુધવારે કેટલાક કેસરી કપડાં પહેરેલા લોકોએ સડકો પર ઉત્પાત મચાવતા બે કાશ્મીરી યુવકોની દંડા વડે પિટાઈ કરી હતી. લખનૌના ડાલીગંજ પુલ ખાતે બંને કાશ્મીરી યુવાનો ડ્રાઈફ્રૂટ વેચી રહ્યા હતા. વીડિયોમાં કથિતપણે કેસરી કપડાં પહેરેલા લોકો યુવકોને પહેલા તેમની ઓળખ પુછે છે અને બાદમાં ગંદી ગાળો આપીને તેમની પાસે આઈકાર્ડ માંગવા લાગે છે તથા ડ્રાઈફ્રૂટ વેચનારા યુવકને માર મારવા લાગે છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એસએસપી કલાનિધિ નૈઠાનીએ કહ્યુ છે કે કાશ્મીરી યુવકની પિટાઈ કરનારા બજરંગ સોનકરની ધરપકડ કરવામાં આવી છે. સોનકરનો ગુનાહિત રેકોર્ડ પણ રહ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે સોનકર વિરુદ્ધ હત્યા અને તેના સિવાયના અન્ય 12 મામલા છે.