Site icon Revoi.in

કાઠિયાવાડી નવ અશ્વો 220 કિ.મીનું અંતર કાપી તળાજાથી સોમનાથ પાંચ દિવસે પહોંચ્યા

Social Share

ભાવનગરઃ રાજ્યમાં ગણા સ્થળોએ અશ્વ સ્પર્ધાઓ યોજાતી હોય છે. જ્યારે સામાન્યતઃ ઘોડાઓ 20 થી 25 કિલોમીટર દોડતા હોય છે. તાજેતરમાં તળાજાથી સોમનાથ સુધી ધ્વજારોહણનું આયોજન કરાયું હતું. જેમાં કાઠીયાવાડી ઘોડાઓએ રંગ રાખ્યો હતો.  તળાજાથી સોમનાથ માત્ર પાંચ દિવસમાં પહોંચી ગયા હતા. આ નવ કાઠીયાવાડી ઘોડાઓ રોજના પચાસ પચાસ કિલોમીટરનું અંતર કાપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી ઘોડા રોજના માત્ર 15 થી 20 કિલોમીટર અને પાંચ દિવસમાં 150 કિલોમીટર જ અંતર કાપી શકે છે. પરંતુ આ ઘોડા રોજના 50 કિલોમીટર સાથે 220 કિલોમીટર દોડ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ ચેતક અશ્વ મંડળી ગ્રુપ દ્વારા અશ્વ પર તળાજા થી સોમનાથ ધ્વજારોહણનું આયોજન કર્યું હતું. તળાજા એભલ દ્વારથી કાઠીયાવાડી ઘોડાઓને સોમનાથ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. નવી જૂની કામરોળ, નવા સાંગાણા, ઠળિયા, પીપરલા ગામના હોર્સ રાઈડરો દ્વારા ઘોડા પર તળાજા થી સોમનાથનું આયોજન કર્યું હતું. 220 કિલોમીટરથી પણ વધુ અંતર હોવા છતાં કાઠીયાવાડી ઘોડા પટ્ટી, હીર, બાવડી, તુલસી, રોજી, દેવયાની, ભૂતડ, રાની, ધવલ સહિતના ઘોડા કોઈપણ થાક કે શારીરિક અસક્ષમ રહ્યા વગર રોજના પચાસ પચાસ કિલોમીટર અંતર કાપીને માત્ર પાંચ જ દિવસમાં તળાજાથી  સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં અશ્વ ચાલકોએ સોમનાથમાં  ધ્વજારોહણ કર્યું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તળાજાથી સોમનાથ સુધીની અશ્વ રાઈડનુ નામ ઇતિહાસ ગૌરવ યાત્રા રખાયું હતુ.  તળાજા વીર એભલજી વાલાથી સોમનાથ વીર હમીરજી ગોહિલ સુધીની એક ઇતિહાસથી બીજા એક વીર પુરુષ સુધીની યાત્રા એટલે ઇતિહાસ ગૌરવ યાત્રા, જેનો પ્રારંભ તારીખ 16 જાન્યુઆરી તળાજા થી કરાયો હતો. અને 21મી જાન્યુઆરીએ સોમનાથ મહાદેવ આ યાત્રા પહોંચી હતી.  ચેતક અશ્વ મંડળી તળાજા દ્વારા તળાજા થી સોમનાથ 220 કિમી  કાઠીયાવાડી ઘોડા સાથે મનવીરસિંહ અનિરુદ્ધસિંહ સરવૈયા, જયવીરસિંહ અનિરુદ્ધસિંહ સરવૈયા , શિવરાજસિંહ કિરીટસિંહ સરવૈયા, મિત્રરાજસિંહ રામદેવસિંહ સરવૈયા, દશરથસિંહ અરવિંદસિંહ સરવૈયા, જયરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, સિદ્ધરાજસિંહ અરવિંદસિંહ સરવૈયા, ઉર્જિતસિંહ પરાક્રમસિંહ ગોહિલ, શિવરાજભાઈ આલુભાઈ મોભ સહિતના ઘોડેસવાર જોડાયા હતા.