Site icon Revoi.in

કેરળના સીએમ પી. વિજયનના પુત્રીની વિરુદ્ધ ઈડીએ નોંધ્યો કેસ, પૂછપરછની શક્યતા

Social Share

નવી દિલ્હી:  કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના પુત્રી વીણા વિજયન વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો એક કેસ નોંધ્યો છે. આ કેસ તેમની માલિકીવાળી આઈટી કંપની અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ આખો મામલો એક પ્રાઈવેટ ખનીજ ફર્મ દ્વારા વીણા અને તેમની કંપનીને કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. સૂત્રો મુજબ, ઈડીની ટીમ જલ્દી તેમની પૂછપરછ પણ કરે તેવી શક્યતા છે.

સત્તાવાર સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી કે તપાસ એજન્સી ઈડીએ મની લોન્ડ્રિંગ હેઠળ મામલો નોંધ્યો છે અને તેમાં સામેલ લોકોની જલ્દીથી પૂછપરછ કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું છે કે કોર્પોરેટ કાર્ય મંત્રાલયના તપાસ એકમ એસએફઆઈઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક ફરિયાદને ધ્યાન પર લીધા બાદ ઈડીએ મામલો નોંધ્યો છે.

આ મામલો ઈન્કમટેક્સની તપાસ પર આધારીત છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રાઈવેટ કંપની કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડે 2018થી 2019 દરમિયાન વીણાની કંપની-એક્સાલોજિક સોલ્યૂશન્સને 1.72 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ચુકવણી કરી જ્યારે આઈટી ફર્મે કંપનીને કોઈ સેવા પ્રદાન કરી ન હતી.