Site icon Revoi.in

ચાંગોદરમાં કફ સિરપના નામે નશીલું દ્રવ્ય બનાવતી ફેકટરી ખંભાળિયા પોલીસે પકડી પાડી

Social Share

અમદાવાદઃ શહેર નજીક આવેલા ચાંગોદર જીઆઈડીસીમાં આવેલી એક આયુર્વેદ દવા બનાવવાની ફેકટરીમાં નશીલું દ્રવ્ય બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે ખંભાળિયાની પોલીસે દરોડા પાડ્યો હતો. કફ સિરપના નામે નશીલું દ્રવ્ય વેંચવાનો પર્દાફાશ ખંભાળિયામાં થયા પછી ત્યાંની પોલીસ પગેરૂં શોધતી શોધતી અમદાવાદ પાસેના ચાંગોદર પહોંચી હતી અને દરોડા પાડીને નશીલું સિરપ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી ચાંગોદર ખાતે ફેક્ટરીમાં આયુર્વેદિક સીરપની બોટલો બનાવવમાં આવતી હતી. આલ્કોહોલ, સાઈટ્રિક એસિડ, સ્વીટનર, ફ્રુટ બિયર ભેળવીને આયુર્વેદિક સીરપની બોટલો બનાવી ખુલ્લેઆમ તેનો વેચાણ કરવામાં આવી રહ્યું હતુ.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પીઆઇ કે. કે. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમે ગત તા. 26મી જુલાના રોજ એક આઇસર ટ્રકની તપાસણી કરતા અંદરથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત “કાલ મેઘાસવ” નામની દવાનો આશરે 4000 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા વાહનમાં સીરપના જથ્થાના બીલ તપાસતા અમુક બાબતો શંકાસ્પદ જણાઇ હતી.જેથી દવા અને ટ્રક વગેરે કબજે કરી સધન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બીલમાં દર્શાવાયેલી હકીકત બાબતે સંબધિત કચેરી ખાતે ચકાસણી કરાતા જી.એસ.ટી.નંબર ખોટા હોવાનું તથા નશાબંધી અને આબકારી વિભાગ તરફથી નિયમાનુસાર રીતે મેળવવાનું થતું ચોક્કસ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું ખુલ્યુ હતુ. જેના આધારે પી.એસ.આઈ જાડેજાએ પૂર્વયોજિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા મામલે ભરત ચના નકુમ, ચિરાગ લીલાધર થોભાણી તથા રમેશ ભોપા ખરગીયા સામે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પી.એસ.આઈ એન.એચ.જોશી દ્વારા તપાસ વેગવંતી બનાવાઇ હતી.જે તપાસમાં ગુન્હામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર ભરત નકુમની પૂછપરછ દરમિયાન  અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક ફેકટરીમાં આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરતા હોવાની માહિતી મળી હતી.​​​​​​​ જેના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદીક કાલ મેઘાસવ નામની દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરવા માટેની મશીનરી, રો મટીરીયલ સહિત નશાયુક્ત પીણાંની 7277 બોટલ, ઇથાઇલ કેમિકલ 840 લીટર, તૈયાર મિશ્રણ 1000 લીટર સહિતનો અન્ય 40થી 50 જેટલી ચીજવસ્તુનો જથ્થો તથા એક ટ્રક મળી આશરે કી.રૂ.21,12,270ના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછ દરમિયાન સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં તૈયાર કેમિકલ પદાર્થોનુ મિશ્રણ કરી સ્થાનિક મશીનરી મારફતે બોટલીંગ કરી તેનુ સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ વિસ્તારોમાં ગેરકાયદે બીલો બનાવી તેનુ માર્કેટીંગ-વેચાણ કરાતુ હોવાનુ સામે આવ્યુ હતુ.