Site icon Revoi.in

પ્રશંસનીય : દુર્ગા પૂજા પર હિંદુ પરિવારે કરી મુસ્લિમ બાળકીની કુમારી પૂજા

Social Share

આ વર્ષે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં મહાઅષ્ટમીના પ્રસંગે કુમારી પૂજન દરમિયાન એક હિંદુ પરિવારે ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી કોમવાદી સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ કાયમ કર્યું છે. આ પુનીત કાર્ય કોલકત્તાની નજીકના ઉત્તર 24 પરગના જિલ્લામાં અર્જુનપુરના વતની દત્ત પરિવારે કર્યું છે.

સ્વામી વિવેકાનંદે 121 વર્ષ પહેલા કાશ્મીરમાં એક મુસ્લિમની પુત્રીની માતા દુર્ગાના સ્વરૂપ તરીકે પૂજા કરી હતી. ચાર વર્ષની ફાતિમાના પિતા મોહમ્મદ તાહિર આગ્રાના વતની છે. તેઓ તમલ દત્તના આમંત્રણ પર પશ્ચિમ બંગાળના કોલકત્તામાં દુર્ગાપૂજા માટે ફરવા આવ્યા છે. મહાઅષ્ટમીના દિવસે કુમારી કન્યાઓને દેવી દુર્ગાનું સ્વરૂપ માનીને તેમની પૂજા કવામાં આવે છે.

સ્થાનિક નિગમમાં એન્જિનિયર તમલ દત્તે કહ્યુ છે કે જાતિગત અને ધાર્મિક બાધ્યતાને કારણે પહેલા અમે માત્ર બ્રાહ્મણ કન્યાઓની સાથે કુમારી પૂજન કરતા હતા. તે કમરહાટી નગરપાલિકામાં એન્જીનિયર છે. તે 2013થી જ પોતાના ઘરમાં માતાની પજા કરે છે. આ વર્ષે તેમણે જૂની પરંપરાઓથી હટીને કોમવાદી સૌહાર્દ માટે કંઈક કરવાનો વિચાર કર્યો હતો.

તેમણે કહ્યુ છે કે અમે બધાં જાણીએ છીએ કે માતા દુર્ગા આ ધરતી પર તમામના માતા છે, તેમનો કોઈ ધર્મ, જાતિ અથવા રંગ નથી. માટે અમે પરંપરા તોડી. તેમણે કહ્યુ છે કે આના પહેલા અમે બિનબ્રાહ્મણોની પૂજા કરી હતી. આ વખતે મુસ્લિમ બાળકીની પૂજા કરી છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના જ બશીરહાટમાં બે વર્ષ પહેલા થયેલી હિંસક ઘટનાઓ વચ્ચે હિંદુ યુવકોએ રાત્રિ જાગરણ કરીને મસ્જિદની સુરક્ષા કરી હતી. જુલાઈ-2017માં ભડકેલા કોમવાદી તણાવ બાદ જ્યારે બશીરહાટના ખાનપાડા વિસ્તારની મસ્જિદને ખતરો પેદા થઈ ગયો હતો, તો બે હિંદુ યુવકોએ રાત્રિભર જાગીને મસ્જિદની સુરક્ષા કરી હતી.