Site icon Revoi.in

ધ્રોળમાં ભાજપના ઉમેદવાર પૂનમ માંડમના રોડ શોનો ક્ષત્રિયોએ કર્યો વિરોધ,100ની અટકાયત

Social Share

જામનગરઃ  લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચરણો બાદ ત્રણવાર માફી માગી છતાંયે ક્ષત્રિય સમાજનો રોષ ઠંડો પડ્યો નથી. ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા ગામડાંઓમાં ભાજપ સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામજોધપુર, કાલાવડ બાદ ધ્રોલમાં પણ  ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભા-રેલીમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાળા વાવટા ફરકાવીને વિરોધ કરી રહેલા 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી.

જામનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગરમાં ભાજપના ઉમેદવાર પુનમબેન માંડમ સામે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડમાં માંડમ સામે વિરોધ કરાયા બાદ  ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. ધ્રોલમાં  સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને ‘રૂપાલા’ હાય હાયના નારા લગાવ્યા હતા. ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય યુવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ગાડી સુધી પણ ધસી આવ્યા હતા. આ રોડ શો દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, શહેર ડીવાયએસપી જે.વી ઝાલા, સહિત એલસીબી પોલીસ અને એસ ઓ જી ની ટીમો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી છતાં ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.