Site icon Revoi.in

રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશબંધી સામે વકિલોએ કર્યો વિરોધ

Social Share

રાજકોટઃ રાજ્યમાં નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીઓ  દ્વારા  દસ્તાવેજ સમયે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવતા પરિપત્ર સામે વિરોધ ઊભો થયો છે. દસ્તાવેજ કરતી વખતે લખી આપનાર, લખાવી લેનાર અને માત્ર સાક્ષી સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સામાન્ય રીતે દસ્તાવેજ કરતી વખતે વકીલો અરજદારો સાથે હોય છે. ત્યારે આ પરિપત્ર દ્વારા એડવોકેટને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે શુક્રવારે રાજકોટની નોંધણી કચેરીએ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ પરિપત્ર પરત લેવા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

શહેરમાં  નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીમાં દસ્તાવેજ માટે આવતા અરજદારો સાથે વકિલો પણ હોય છે. ત્યારે વકિલોને જ કચેરીમાં પ્રવેશબંધીથી અરજદારોને પણ મુશ્કેલી પડશે. આ અંગે
રેવન્યુ બાર એસોસિએશને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દસ્તાવેજ સમયે ખરીદનાર, વેચનાર અને સાક્ષી સિવાય કોઈને સાથે રહેવાની મનાઈ કરી દેવામાં આવી છે. ખરેખર દસ્તાવેજની કામગીરી ટેક્નિકલ હોય છે. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ વારંવાર તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ કામગીરી સચોટ રીતે થાય તેના માટે વકીલોની હાજરી અનિવાર્ય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ન ઉદભવે તે માટેનાં ટેક્નિકલ મુદ્દાઓ જોઈને દસ્તાવેજની પ્રક્રિયા વકીલો જ કરાવતા હોય છે.

રેવન્યુ બાર એસોના કહેવા મુજબ સામાન્ય લોકોને આ માટેના ગરવી ગુજરાત સહિતના સોફ્ટવેરમાં કોઈ ખ્યાલ આવે તેવી શક્યતા ન હોવાથી એડવોકેટની હાજરી જરૂરી છે. આ દસ્તાવેજ જે-તે વ્યક્તિની મરણમૂડી સમાન હોય છે. ત્યારે તેમાં કોઈ કચાશ ન રહે અને સચોટ કામગીરી થાય તે જરૂરી છે. ભવિષ્યમાં કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને ડુપ્લિકેટ દસ્તાવેજ ન કરે તેની કાળજી રાખીને વકીલો કામગીરી કરતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત વ્યક્તિની વ્યાખ્યા વિનાનો કરાયેલો પરિપત્ર અયોગ્ય છે.

રાજકોટમાં દસ્તાવેજનું કામ કરતાં એક વકિલે જણાવ્યું હતુ કે,  રજિસ્ટ્રારની કચેરીઓ દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે. અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવાની આ પરિપત્રમાં મનાઈ કરાઈ છે, પરંતુ અનઅધિકૃત વ્યક્તિ કોને ગણવા? તે અંગેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી. વકીલોને જો સરકાર અનઅધિકૃત ગણતી હોય તો સનદ શા માટે અપાય છે? દરેક સરકારી કચેરીમાં વડાઓ પાછલા બારણે વહીવટ કરવા માટે પોતાના અનઅધિકૃત વ્યક્તિઓ રાખે છે. આ પ્રકારના વ્યક્તિ દિવસભર આંટા મારતા હોય છે. ત્યારે રાજ્ય સરકારને જો શંકા હોય તો સાંજે કેમેરા ચેક કરી લેવા જોઈએ. ત્યારે આવો અનઅધિકૃત પરિપત્ર બહાર પડાય જ નહીં. જો આવો પરિપત્ર કહેર કર્યો છે, તો અનઅધિકૃતની વ્યાખ્યા જાહેર કરવી જોઈએ.