શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.
અષાઢ મહિનો આવે તે સાથે જ વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જતી હોય છે. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરી વ્રત અને અષાઢ સુદ તેરસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થતી હોય છે. અલબત્, આ વખતે એક તિથિનો ક્ષય હોઈ તારીખ 9 જુલાઈ, શનિવારથી ગૌરી વ્રત તેમજ 11 જુલાઈ, સોમવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે.
અષાઢ સુદ એકાદશીનો દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલાછમ જવારા નજરે પડવા લાગે છે. આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે. પરંતુ, મૂળે તો બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે ! એટલું જ નહીં, તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે. અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો.
વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરવાની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે.