Site icon Revoi.in

મહિસાગર નદીની કોતરોમાં દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે, પાંજરૂં મુકાયું છતાંયે પકડાતો નથી

Social Share

વડોદરાઃ શહેર નજીક મહીસાગર નદી આસપાસ આવેલા કોતરોમાં છેલ્લા ઘણા સમયથી દેખા દઇ રહેલા દીપડાએ  કોતર નજીક આવેલા ગામડાંઓ સિંધરોટ, શેરખી અને ભીમપુરાના લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. આ વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ પણ કરી રહ્યો છે.દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા મારણ સાથે પીંજરું મૂક્યું છે. પરંતુ, દીપડો પાંજરાની આસપાસ આંટા મારી કોતરોમાં જતો રહે છે. દીપડો પીંજરે ન પુરાતા ગ્રામજનોની ઊંઘ હરામ થઇ ગઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક સમયથી મહીસાગર નદીના કોતરોમાં સંધ્યાકાળ બાદ દીપડો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ દીપડાને કોતરોમાં જોતા આસપાસના ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. રાત્રિના સમયે આ દીપડો પોતાના ગામમાં આવીને માનવ ઉપર હુમલો ન કરે કે, કોઇ પશુનું મારણ ન કરે તે માટે ગ્રામ્યજનો સતર્ક થઈ ગયા છે. છતાં ગ્રામ્યજનોમાં દીપડાને લઈને ભારે દહેશત છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

સિંઘરોટ, શેરખી, અને ભીમપુરાના ગ્રામજનોને ભયના ઓથાર નીચે રાત પસાર કરવાનો વખત આવ્યો છે. દરમિયાન વનવિભાગ દ્વારા કોતરોમાં ફરી રહેલા દીપડાને પાંજરામાં પૂરવા માટે મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું અને સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા હતા. દીપડો પાંજરા સુધી આવી જતો હતો, પરંતુ પાંજરામાં જતો ન હતો, જેના પણ LIVE સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી દીપડો પાંજરાની આસપાસ આંટા મારીને પુનઃ કોતરોમાં જતો રહેતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. હજુ દીપડો પાંજરામાં પુરાયો નથી,

આ અંગે આર.એફ.ઓ. કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દીપડાને પાંજરામાં પૂરવા માટે બે પીંજરાં ગોઠવવામાં આવ્યાં છે, પરંતુ, દીપડો પીંજરામાં આવતો નથી. દીપડો પાંજરામાં પુરાયા બાદ તેને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહી નદીના કોતરોમાં ફરી રહેલો દીપડો પાંજરામાં પુરાયા બાદ ગ્રામજનોને પણ રાહત મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહી નદી કિનારાનાં ગામોમાં દીપડો પશુઓનું મારણ કરતા હોય છે. જંગલો કપાઈ જવાના કારણે ખોરાકની શોધમાં શહેરો સુધી આવી રહેલા હિંસક પ્રાણીઓ આવનારા સમય માટે ખતરા રૂપ પુરવાર થઈ શકે છે.