Site icon Revoi.in

મચ્છુ -2 ડેમને નર્મદાના પાણીથી ભરી દેવાતા ઓવરફ્લો, 5 ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

Social Share

મોરબીઃ શહેર અને જિલ્લાનો જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરીની માંગણી કરી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરાશે. કારણ કે ચોમાસા પહેલા જ ડેમના મરામતનું કામ પૂર્ણ કરી દેવું પડે એટલે એપ્રિલમાં ડેમ ખાલી કરીને મેમાં કામ શરૂ કરવાનું આયોજન છે.  જોકે ડેમ ખાલી કરવાની હિલચાલ છતાં સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલમાંથી પાણી ઠાલવવાનું ચાલુ છે. તો બીજી તરફ ડેમમાંથી પાણીનો ઉપાડ પુરતો થતો નથી. જેથી પાણીનું સ્તર વધી જતાં ડેમ વિસ્તારમાં આવતા પાંચ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકારી તંત્રના સંકલનના અભાવને કારણે નુકશાની ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મચ્છુ-2 ડેમ મરામત માગી રહ્યો છે. અને તેને મરામત કરવાની રાજ્ય સરકાર સમક્ષ મંજુરી માગવામાં આવી છે.જો ડેમ મરામત કરવાની મંજુરી મળશે તો ડેમને ખાલી કરવા પડશે. બીજી બાજુ સૌની યોજના હેઠળ મચ્છુ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. મચ્છુ-2  ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના હજારો વીઘા જમીનના વાવેતર પર જોખમ તોળાઈ રહ્યું છે.

આ અંગે મકનસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું.  કે, નર્મદા કેનાલ ચાલુ છે અને પાણી આવે છે. જેથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. હજારો વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે અને ડેમના પાણીને કારણે ખેડૂતોને કરોડોની નુકશાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. 15 એપ્રિલ સુધીમાં ડેમ ખાલી કરવાનો છે તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી પરંતુ છતાં પાણીની આવક ચાલુ છે. જયારે નવાગામમાં રહેતા ખેડૂતે જણાવ્યું હતું કે, 40 વીઘા જમીન હોય જેમાં 20 વીઘામાં તલનું વાવેતર કર્યું છે જે 20 વીઘામાં પાણી ફરી વળ્યું છે. પ્રવીણભાઈએ એક વીઘે 10 થી 12  હજાર રૂપિયાના ખર્ચે વાવેતર કર્યું છે. જોકે તમામ વાવેતર નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું છે. (file photo)