Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા છ વ્યક્તિના મોત, 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત

Social Share

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં હરદામાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં અનેક ઘરોમાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. બૈરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે નજીકના ઘરોને ખાલી કરાવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે મંત્રી ઉદય પ્રતાપ સિંહ, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમાર અને એસીએસ અજીત કેસરીને હેલિકોપ્ટર દ્વારા જવાનો નિર્દેશ આપ્યો. ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો અને એઈમ્સ ભોપાલમાં બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. 
 
હરદાના પોલીસ અધિક્ષક સંજીવ કંચને જણાવ્યું કે મગરધા રોડ, બૈરાગઢ ગામ વિસ્તારમાં આજે સવારે ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. સમગ્ર વિસ્તાર કાળા ધુમાડામાં છવાઈ ગયો હતો. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. હરદા, બેતુલ, ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે.