- મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં 10,000 થી વધુ નવા કેસ
- ફરી એકવાર રાજ્યવ્યાપી લોકડાઉનની આશંકા
દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.ત્યારે મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના સંક્રમણના કેસો નોંધવામાં આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દસ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 90 હજારની નજીક પહોંચી ગઈ છે.
સીએમ ઉદ્ધવ ઠાકરે સતત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરે છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે, લોકલ ટ્રેનો અને વેક્સીનેશન શરૂ થયા બાદ લોકો બેદરકાર બની ગયા છે, આ નવા કેસો આવવાનું પરિણામ એ જ છે.
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 10,216 નવા કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન લગભગ 6,467 લોકો સ્વસ્થ થઇને તેમના ઘરે પરત ફર્યા છે. અને સંક્રમણને કારણે 53 લોકોનાં મોત નિપજ્યા છે.હાલમાં રાજ્યમાં કુલ કોરોના સંક્રમણની સંખ્યા વધીને 21,98,399 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃતકોનો આંકડો 52,393 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં સતત નવા કેસમાં વધારો થયા બાદ હવે ફરી એકવાર રાજ્યવ્યાપી લોકડાઉનની આશંકાઓ ઉઠવા પામી છે. મુખ્યમંત્રી ઠાકરેએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો લોકો શિસ્તનું પાલન નહીં કરે તો સરકાર પાસે લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
-દેવાંશી

