Site icon Revoi.in

ગુજરાત યુવા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર, લોકસભા બેઠક દીઠ પ્રભારીઓ નિમાયા

Social Share

 અમદાવાદઃ લોકસભા ચૂંટણીના આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. એવા સમયે ગુજરાત યુવા કોંગ્રેસે પોતાના  સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ નવા પ્રદેશના હોદેદારોની જાહેર કરેલી યાદીમાં પ્રદેશના ઉપપ્રમુખોને ચાર ઝોન અને  મહામંત્રીઓ અને મંત્રીઓને 33 જિલ્લા અને શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સાત લોકસભા માટે અલગથી  વિશેષ પ્રભારીઓ તરીકેની જાહેરાત કરવામાં આવી છે અને 24મી તારીખે યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાશે. જેમાં સિનિયર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે યુવા કોંગ્રેસ આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા કોંગ્રેસના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જયારે કેટલાક યુવા કોંગ્રેસમાં કામ કરવા માંગતા નવોદિત યુવાનોને તક આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસ આવનારી લોકસભા ચૂંટણીમાં મહેનત કરવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. જયારે ભાજપને  વર્ષો જૂની આદત ધર્મના નામે મત માંગવાની છે.  ભાજપ પાસે કોઈ વિકાસ મુદ્દો  નથી. દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારી ચરમ સીમાએ  છે. જયારે ચૂંટણી નજીક  આવે ત્યારે ધર્મના નામે વોટ માંગવા ભાજપ નીકળી પડે છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ ભાજપ સરકારની  નિષ્ફળતાને ઉજાગર કરવાનું કામ કરશે.

ગુજરાત યુવા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખોને ઝોન સ્તરની જવાબદારી આપવામાં આવી છે. જેમાં પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમાને નોર્થ ઝોન, અભય જોટવાને સૌરાષ્ટ્ર ઝોન, આદિત્યસિંહ ગોહિલને સેન્ટ્રલ ઝોન અને મહિપાલસિંહ ગઢવીને સાઉથ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  આ ઉપરાંત 33 જિલ્લા અને  મહાનગરોમાં પ્રદેશ મહામંત્રીઓ અને મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદરી સોપવામાં આવી છે. તેમજ   સાત લોકસભા માટે વિશેષ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમાને સાબરકાંઠા લોકસભા, અભય જોટવાને જુનાગઢ લોકસભા, મહિપાલસિંહ   ગઢવીને પાટણ લોકસભા , પ્રદેશ મહામંત્રી વિરલ કટારિયાને બનાસકાંઠા લોકસભા, ધીરજ શર્માને દાહોદ લોકસભા અને જયારે દક્ષિણ ગુજરાતના યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણને ભરૂચ લોકસભાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સુપર શક્તિ શીના ચેરમેન તરીકે વૈશીલી  શિંદેની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા, આર.ટી આઈ વિભાગમાં ઇન્ચાર્જ તરીકેની  જવાબદારી અઝહર રાઠોડ અને સ્પોર્ટ્સના ચેરમેન તરીકે ઉપેન્દ્રસિંહ જાડેજા  અને પ્રદેશ યુવા કોંગ્રેસના ખજાનચી તરીકે આદિત્ય ઝૂલાને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની 24મી તારીખે વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદેશ યુવા  કોંગ્રેસના પ્રદેશ હોદેદારો, જિલ્લા પ્રમુખો અને વિધાનસભાના પ્રમુખો, સુપર શક્તિ શી, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના પ્રદેશ અને જિલ્લાના હોદેદારો ઉપસ્થિત રહેશે. આ વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકરી પ્રદેશ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ રામક્રિશ્ના ઓઝા અને ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રભારી ક્રિશ્ના અલ્લાવરુ તમામ ગુજરાતના યુવા કોંગ્રેસ હોદેદારોને માર્ગદર્શન આપશે.

Exit mobile version