Site icon Revoi.in

નકલી IPS અધિકારીના સ્વાંગમાં લોકોને ડરાવી, ધમકાવીને તોડ કરતો શખસ પકડાયો

Social Share

રાજકોટઃ રાજ્યમાં નકલી પોલીસ દ્વારા તોડ કરવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં રાજકોટના એક બગીચામાં બેઠેલા એક યુવક અને યુવતી પાસેથી પીઆઈનો સ્વાંગ રચીને તોડ કરવા આવેલો એક અધિકારીનો પુત્ર પકડાયો હતો, જ્યારે બીજા બનાવમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ  દ્વારા જસદણ વિસ્તારમાં આઇપીએસ અધિકારી  તરીકેની ઓળખ આપી તોડનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. રાણાને બાતમી મળી હતી કે, જસદણ વીંછીયા બાયપાસ પર એક વ્યક્તિ આઇપીએસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરી રહ્યો છે. લોકોને આઇપીએસ અધિકારી હોવાનું ઓળખકાર્ડ બતાવે છે અને ત્યારબાદ તેમની પાસેથી પૈસાનો તોડ કરે છે. ત્યારે જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરનારો ધંધુકા તાલુકાના ફેદરા ગામનો સંજય પોપટભાઈ પટેલ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની તલાસી લેતાં તેનું આઇકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જસદણ પોલીસ મથકમાં આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય પટેલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેણે કેટલા રૂપિયાનો તોડ કર્યો છે કોની કોની પાસેથી કર્યો છે. કેટલા સમયથી તે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરતો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટના લવ ગાર્ડન પાસે પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપનાર લવરમૂછિયા ઝડપાઇ ગયો હતો. જેના વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.