ઇમ્ફાલ, 4 એપ્રિલ 2026: મણિપુરના તિંગનુપાલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરતા ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે પોલીસે જાહેર કરેલી માહિતી અનુસાર, આ ધરપકડ મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તારના યાંગૌબુંગ ગામમાંથી કરવામાં આવી છે. આ ઓપરેશન સરહદી વિસ્તારોમાં વધતી જતી ઉગ્રવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવા માટે મહત્વનું માનવામાં આવે છે.
પોલીસે પકડાયેલા આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે, જેઓ રાજ્યના વિવિધ સક્રિય પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા છે, સુરક્ષા દળોએ પીપલ્સ લિબરેશન આર્મીના કીશમ સુમંત મૈતેઈ, એનઆરએફએમના અંગોમ સોમોરજીત સિંહ અને કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટીના યુમનામ નાઓબાસિંહ (ઉ.વ. 26) તથા ખુનદ્રકપમ શ્યામન મૈતૈઈ (ઉ.વ. 25)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી જબરદસ્તીથી ખંડણી ઉઘરાવવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ તત્વોને પકડવા માટે ગુપ્તચર બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે. આ બાતમીના આધારે રાજ્યમાં વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન, ઘેરાબંધી અને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ ચારેયની ધરપકડ કરવામાં આવી છે.
સરહદી ગામમાંથી આટલી મોટી સંખ્યામાં આતંકીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ભારત-મ્યાનમાર સરહદ પર ઘૂસણખોરી અને હથિયારોની હેરાફેરી રોકવા માટે વધારાની પોલીસ કુમક તૈનાત કરવામાં આવી છે. પકડાયેલા શખ્સો પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેથી તેમના ભાવિ મનસૂબાઓ અને સ્થાનિક નેટવર્ક વિશે વધુ વિગતો જાણી શકાય.

