Site icon Revoi.in

મહેસાણામાં IELTS પેપર લૂંટ કેસમાં પંજાબથી એક શકમંદની કરી અટકાયત

Social Share

મહેસાણાઃ શહેરમાં થોડા દિસ પહેલા કુરિયરની કંપનીમાંથી આઈઈએલટીએસના પેપરોની લૂંટનો બનાવ બન્યો હતો. શહેરના માલ ગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલમાં આવેલી બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડમાંથી ગત ગુરૂવારે રાત્રે 08:50 વાગે સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારૂઓએ ઓફિસમાં મેનેજર સહિત બે કર્મચારીઓને મારી  IELTSના પેપર ની લૂંટ ચલાવી હતી. આ કેસમાં બી ડિવિઝન પોલીસે પંજાબથી એક શકમંદને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ એકાદ-બે દિવસમાં પોલીસ બનાવનો ભેદ ઉકેલી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ બનાવમાં સ્થાનિક યુવાનોની પણ સંડોવણી હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા કે કેનેડામાં પીઆર લેવા માટે IELTS પરીક્ષામાં 6 બેન્ડ કે તેથી વધુ સ્કોર કરવો જરૂરી છે. IELTSની પરીક્ષા તમામ સેન્ટરોમાં લેવામાં આવતી હોય છે. ત્યારે મહેસાણામાં કુરિયરની કંપનીમાંથી IELTSના પેપરોની લૂંટનો બનાવ બન્યો હતો.આ બનાવની પોલીસમાં જાણ થતાં જ કંટ્રોલ રૂમ દ્વારા ચારેતરફ નાકાબંધી કરવામાં આવી હતી. છતાં લૂંટારૂઓને મહેસાણા બહાર જતા રોકવામાં સફળતા સાંપડી ન હતી. એ દરમિયાન મહેસાણા બી ડિવિઝન અને એલસીબીએ ઊંડી તપાસ હાથ ધરી હતી. આ લૂંટમાં સ્થાનિક અને પંજાબના શખસોની સંડોવણી હોવાનું બહાર આવતાં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ પીઆઈ ઘેટિયા પોતાના સ્ટાફ સાથે પંજાબ ખાતે દોડી ગયા હતા. મહેસાણા પોલીસે પંજાબના ભટીંડા અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા મનાતા એક શકમંદને ઉઠાવી લીધો હતો. જેની પૂછપરછ માટે મહેસાણા લાવવામાં આવ્યો છે, જો કે પૂછપરછમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઇ રહી છે.