Site icon Revoi.in

બિહાર વિધાનસભાના હેરીટેજ ડેવલપમેન્ટ કમિટી’એ લીધી ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત

Social Share

ગાંધીનગરઃ બિહાર વિધાનસભાની ‘બિહાર હેરીટેજ ડેવલપમેન્ટ કમિટી’ના અધ્યક્ષ તેમજ સભ્યો સ્ટડી ટુર કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે આવ્યા છે. ગુરૂવારે સવારે બિહાર હેરીટેજ ડેવલપમેન્ટ કમિટીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા દેશની સૌપ્રથમ યુનેસ્કો હેરીટેજ સીટી – અમદાવાદ, યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરીટેજ સાઈટ, વિવિધ હેરીટેજ સ્થળો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા અમલમાં મૂકવામાં આવેલી ‘હેરીટેજ ટુરીઝમ પોલીસી 2020-25 બાબતે પણ કમિટીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કમિટીના સભ્યોએ તમામ માહિતી મેળવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા હેરીટેજ સ્થળોના વિકાસ, તેની જાળવણી, હેરીટેજ પોલીસી અંતર્ગત અપાતી સહાય, સિનેમેટિક ટુરીઝમ પોલીસી જેવા વિવિધ વિષયોમાં રસ દાખવી વધુ માહિતી મેળવી હતી. બિહારથી પધારેલી સમિતિના અધ્યક્ષ ડૉ. પ્રેમકુમારે ગુજરાત સરકારની હેરીટેજ ટુરીઝમ પોલીસીને બિરદાવતા કહ્યું હતું કે, ગુજરાત જે રીતે તેના હેરીટેજ સ્થળોની જાળવણી કરીને હેરીટેજ ટુરીઝમને પ્રોત્સાહન આપી રહ્યુ છે, તે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે.

આ બેઠક દરમિયાન સમિતિના સભ્ય  વિનય બિહારી,  રાજેશકુમાર,  વિદ્યાસાગર કેસરી,  પવનકુમાર યાદવ,  રિશી કુમાર,  વિશ્વનાથ રામ,  વિજયકુમાર સિંઘ,  અમન ભૂષણ હજારી,  તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના કમિશનર  સૌરભ પારધી સહિતના અધિકારીઓ, ગુજરાત વિધાનસભાના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે, કે, ગુજરાતના ધાળાવીરા, પાટણની રાણી વાવ સહિત અનેક સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. હેરિટેજ સ્થળોના પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે

Exit mobile version