Site icon Revoi.in

ડીસાના ભીલડી પાસે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરો જપ્ત કર્યા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં ખનીજચોરીની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. એટલું જ નહીં ખનીજના લીઝ ધારકો પણ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે ખનીજ વિભાગે ઓવરલોડ ભરેલા ડમ્પરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ડીસાના ભીલડી નજીક ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી ઓવરલોડ રેતી ન ભરવા માટેનો નિર્ણય કર્યો હતો. અને ઓવરલોડ ડમ્પરો સામે પગલાં લેવા એસો.એ જ ખાણ ખનિજ વિભાગને રજુઆત કરી હતી. ત્યારબાદ ખાણ ખનિજ વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના ડીસા પાસે ભીલડી અરણીવાડા રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા છ ડમ્પર ઝડપાયા હતા. જેમાં ખાણ ખનીજ વિભાગે છ ડમ્પર સહિત અંદાજિત 1.20 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસા તાલુકાના ભીલડી નજીક અરણીવાડા પાસેથી બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છ ડમ્પરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ જ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી ઓવરલોડ રેતી ન ભરવા માટેનો નિર્ણય કર્યો હતો અને જે લોકો ઓવરલોડ રેતી ભરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યાં છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી હતી. જેને પગલે બુધવારે સાંજે ખાણ ખનીજ વિભાગે ભીલડી પાસેથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છ ડમ્પરને ઝડપી પાડ્યા હતા. તેમ જ રેતી ભરેલા ડમ્પર સહિત 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો હતો. આ તમામ ડમ્પર ભીલડી પોલોસ મથકે સોંપી ચાલકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.