Site icon Revoi.in

મિસ યુનિવર્સ 2023ની જાહેરાત,જાણો કયા દેશની મોડેલને મળ્યો તાજ

Social Share

મુંબઈ:મિસ યુનિવર્સ 2023નો ભવ્ય કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ યોજાયો હતો. મિસ યુનિવર્સ 2023નું આયોજન અલ સાલ્વાડોરના સાન સાલ્વાડોરમાં જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિસ યુનિવર્સ 2023ના ખિતાબની જાહેરાત કરવામાં આવી હતી. શેનીસ પેલેસિયોસને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી અને મિસ યુનિવર્સ 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણીને મિસ યુનિવર્સ 2022 આરબોની ગેબ્રિયલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આરબોની મિસ યુએસમાંથી મિસ યુનિવર્સ બની હતી.

શેનીસ પેલેસિયોસ નિકારાગુઆના છે અને અગાઉ મિસ નિકારાગુઆનો ખિતાબ જીતી ચૂકી છે. શેનીસ પેલેસિયોસ મિસ યુનિવર્સ જીતનાર પ્રથમ નિકારાગુઆન મહિલા છે. આ સૌંદર્ય સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની મોરે વિલ્સન સેકન્ડ રનર-અપ રહી હતી,જ્યારે થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સિલ્ડ ફર્સ્ટ રનર-અપ રહી હતી.

આ વર્ષે ચંદીગઢમાં જન્મેલી શ્વેતા શારદાએ મિસ યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ ટોચના 20 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે ટોચના 10માં સ્થાન મેળવી શકી નહોતી. આ વર્ષે પાકિસ્તાને પણ પ્રથમ વખત મિસ યુનિવર્સમાં ડેબ્યુ કર્યું હતું.

મિસ યુનિવર્સ જીત્યા બાદ શેનિસ પેલેસિયોસ ભાવુક જોવા મળી હતી,તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને તે ભગવાનનો આભાર માનતી પણ જોવા મળી હતી. તેણે સફેદ ચમકદાર સ્ટોન વર્ક ગાઉન પહેર્યું હતું. સામે આવેલા વિડીયોમાં શેનીસ એન્ટોનિયા પોર્સીલ્ડનો હાથ પકડેલી જોવા મળી હતી. તેના નામની જાહેરાત થતાં જ તે આશ્ચર્યથી રડવા લાગી. આ દરમિયાન રનર અપ બનેલી એન્ટોનિયા પોર્સિલ્ડ થોડી નિરાશ દેખાઈ હતી.

આ વર્ષે 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 84 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એકબીજા સામે અદ્ભુત સ્પર્ધા જોવા મળી હતી. આ સ્પર્ધાનું આયોજન અમેરિકન ટેલિવિઝન હોસ્ટ મારિયા મેનુનોસ ઉપરાંત અમેરિકન ટેલિવિઝન હોસ્ટ જીની માઈ અને મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા ક્યુલ્પો દ્વારા કરવામાં આવ્યું હતું.