Site icon Revoi.in

ફોરેસ્ટ અધિકારીને માર મારવાના આરોપમાં ધારાસભ્ય ચૈતર વસાવા વોન્ટેડ, ત્રણની ધરપકડ

Social Share

ભરૂચઃ  ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવીને એક રાઉન્ડ ફાયરિંગ કરીને માર મારવાની ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને ચૈતર વસાવાની પત્ની સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો કે ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ સુરતના અને  હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતાં શિવરાજ ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 29 ઓક્ટોબરના રોજ જંગલ વિસ્તારમાં કેટલાક આદિવાસી ખેડૂતોએ દબાણ કરીને ખેતી કરી હતી. જેનો ફોરેસ્ટ વિભાગ દ્વારા નાશ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આથી આ મામલે ચર્ચા કરવા માટે 30 ઓક્ટોબરના રોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરિયાદી શિવરાજ ચૌધરીને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં ચૈતર વસાવાએ ફોરેસ્ટ અધિકારી સાથે મારામારી કરીને આદિવાસી ખેડૂતોને થયેલા નુક્સાનનું વળતર ચૂકવવા દબાણ કર્યું હતુ. જો તેમ નહીં કરવામાં આવે, તો ફોરેસ્ટ અધિકારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુ.

આ ઘટનાના બીજા દિવસે ચૈતર વસાવાના PA જીતેન્દ્ર વસાવાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરીને ખેડૂતોના વળતર માટેની રકમની માંગણી કરી હતી. જેથી સાંજે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ખેડૂતોને વળતર પેટે રકમ ચૂકવી આવ્યા હતા. આ મામલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને રિવોલ્વરની અણીએ ધમકાવવાના અને માર મારવાના કિસ્સામાં ડેડિયાપાડા પોલીસ મથકમાં ચૈતર વસાવા, તેમના પત્ની અને પીએ સહિત 8 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી ચૈતર વસાવાના પત્ની અને પીએ જીતેન્દ્ર વસાવા ઉપરાંત એક ખેડૂતની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ચૈતર વસાવાને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ કેસમાં ચૈતર વસાવા સામે કયા પ્રકારની કલમો લગાવી એની વિગતો બહાર આવી નથી પણ આ કલમો બિનજામીન પાત્ર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. વસાવા સામે ફરિયાદ નોંધાતાં આ કેસમાં આપના ધારાસભ્યે જેલવાસ ભોગવવો પડશે. હવે આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે સરકાર આ મામલામાં કેટલો રસ દાખવે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ હોવાથી આ મામલો રાજકીય રંગ પકડે તો પણ નવાઈ નહીં. જોકે, વનવિભાગ સાથે કયા મામલે માથાકૂટ થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી પણ જમીન ખેડાણનો આ મામલો છે.