Site icon Revoi.in

મણિપુરમાં વધી રહેલ તણાવ વચ્ચે મોબાઈલ ઈન્ટરનેટ બંધ, 2 જિલ્લામાં કલમ 144 લાગુ

Social Share

7 ઓગસ્ટ,ઇમ્ફાલઃ મણિપુરના બિષ્ણુપુરમાં એક સમુદાયના 3-4 યુવકોએ એક વેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ સમગ્ર રાજ્યમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.વધી રહેલા તણાવને જોતા સમગ્ર રાજ્યમાં 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.આ સાથે, આગામી બે મહિના માટે ચુરાચાંદપુર અને બિષ્ણુપુર જિલ્લામાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

શનિવારે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયનએ મણિપુરના ઇમ્ફાલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રાઇબલ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા રાજમાર્ગો પર અમર્યાદિત આર્થિક નાકાબંધી કરવામાં આવી હતી. આ વિરોધ દરમિયાન ભારે તોડફોડ અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

તે જ સમયે, પોલીસ વિદ્યાર્થી સંઘની વિરોધ રેલીને રોકવાનો પ્રયાસ કરી રહી હતી.આ બધાને કારણે મડાગાંઠ સર્જાઈ હતી અને 30 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. દરમિયાન, પોલીસે ઘટનાસ્થળેથી પાંચ આદિવાસી વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી હતી અને તેમને 15 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા.હવે વિદ્યાર્થી સંગઠન તેના ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે.

મંગળવારે, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની સરકારે રાજ્ય (પહાડી વિસ્તાર) જિલ્લા પરિષદ છઠ્ઠા અને સાતમા સુધારા બિલ રજૂ કર્યા.જેના વિરોધમાં દેખાવો શરૂ થયા હતા.તે જ સમયે, વિરોધીઓનું કહેવું છે કે આ બિલ તેમની માંગણીઓ અનુસાર નથી.