Site icon Revoi.in

ગુજરાત તરફ ચોમાસુ આગળ વધ્યું: તા. 12થી 16 સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ભારતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ છે અને ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. નવસારી, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી અનુસાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલીમાં વરસાદ વરસે તેવી આગાહી છે. વરસાદની સૌથી વધુ જમાવટ સૌરાષ્ટ્રમાં થવાની શક્યતા છે. જેને લીધે અહી ખેડૂતોને કેરીના પાકનુ નુકશાન થવાનો ડર છે.

છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.