Site icon Revoi.in

વડોદરા નજીક ફાજલપુર ગામ પાસે મહી નદીના કિનારે છઠ્ઠની પૂજા માટે 35000થી વધુ લોકો ભાગ લેશે

Social Share

વડોદરાઃ દેશના તમામ રાજ્યોમાં તહેવારોનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. દેશના ગમે તે રાજ્યોમાં વસવાટ કરતાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના લોકો છઠ્ઠની પૂજા માટે પોતાના માદરે વતન જતાં હોય છે. પરંતુ જે લોકો પોતાના વતન જઈ શકે તેમ ન હોય તેવા લોકો દ્વારા સ્થાનિક લેવલે જ છઠ્ઠની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા નજીક ફાજલપુર ગામ પાસે મહી નદીના કિનારે આગામી તા. 19મી અને 20મી નવેમ્બરે છઠ્ઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની બે દિવસીય મહાપર્વ છઠ્ઠ પૂજામાં અંદાજે 35 હજારથી વધુ લોકો ભાગ લેશે. આ પર્વ પર કેટલાક લોકો નિર્જળા ઉપવાસ કરીને પણ છઠ્ઠ પૂજા કરતા હોય છે, ત્યારે સમગ્ર આયોજનને લઈ કાર્યકરો રહેવા-જમવાની શ્રદ્ધાળુઓ ​​​​​​વ્યવસ્થા માટે છેલ્લા 10 દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વડોદરા હિંદી વિકાસ મંચના અગ્રણી જીતેન્દ્ર રાયએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે છેલ્લા 24 વર્ષથી છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અંદાજે 1.50 લાખ જેટલા હિંદી ભાષી લોકો રહે છે. જે છઠ્ઠના દિવસે નદી-તળાવના પાણીમાં ઉભા રહી આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરે છે. તેથી આ વર્ષે તારીખ 19-20 નવેમ્બર બે દિવસ ઉજવાનારા છઠ્ઠ પૂજામાં શહેરના 35 હજારથી વધુ લોકો ફાજલપુર મહી નદીના કિનારે આવશે, ત્યારે શ્રધ્ધાળુઓને રહેવા અને પૂજા-અર્ચના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે મહી નદીમાં આવેલા પૂરના કારણે નદીમાંથી રેતી કિનારા પર ધસી આવી હતી. આ રેતી દૂર કરવા માટે છેલ્લા 10 દિવસથી JCB જેવી મશીનરીનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાજલપુર મહી નદી કિનારે આયોજીત છઠ્ઠ પૂજાના કાર્યક્રમ માટે હિંદી વિકાસ મંચના કાર્યકરો રાત-દિવસ એક કરીને તૈયારીઓ કરી રહ્યા છે. છઠ્ઠ પૂજામાં આવનારા લોકો માટે કુંડ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ચા-નાસ્તા, જમવા અને રહેવા સહિતની સુવિધાનું કરાયુ છે.

છઠ્ઠ પૂજાનું મહાત્મય જણાવતા તેમણે ઉમેર્યું હતું કે,  કારતક માસની છઠ્ઠના દિવસે છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. છઠ્ઠ પૂજાના દિવસે નદી, તળાવના કિનારે આથમતા સૂર્ય સાથે પૂજાની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની પૂજા સાથે છઠ્ઠ પૂજા સંપન્ન થાય છે. છઠ્ઠના એક દિવસ અગાઉથી વ્રતીઓ સ્નાન-ધ્યાન પૂજા કર્યા બાદ ભાત, કોળાનું શાક, ચણાની દાળ અને આમળાની ચટણી ખાઇને વ્રતની શરૂઆત કરે છે. કેટલાક લોકો નિર્જળા ઉપવાસ કરીને પણ છઠ્ઠ પૂજા કરે છે. વડોદરામાં હિંદી વિકાસ મંચ ઉપરાંત 10 જેટલા સ્થળો ઉપર છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં કોટના મહિ નદીના કિનારે બિહાર સાંસ્કૃતિક મંડલ, બાપોદ તળાવ ખાતે પૂર્વાંચલ લોકહિત મંડલ, આજવા રોડ, કમલાનગર તળાવ ખાતે એ.કે. મિશ્રા દ્વારા, કપુરાઇ તળાવ ખાતે બિહાર સાંસ્કૃતિક મંડલ, હરણી તળાવ ખાતે મહાછઠ મંડલ, બોરીયા તળાવ ખાતે સાર્વજનિક છઠ પૂજા મંડલ તેમજ ગાયત્રી મંદિર, ડી.પી.એસ. સ્કૂલ પાસે મૈથિલ સાંસ્કૃતિક મંડલ દ્વારા આયોજન કરવામાં આવે છે.