Site icon Revoi.in

SG હાઈવે નજીક અડાલજથી ત્રિ-મંદિરના રસ્તા પરના 60થી વધુ લારી-ગલ્લાના દબાણો દુર કરાયાં

Social Share

ગાંધીનગરઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર  અડાલજ ચોકડીથી ત્રિ- મંદિર જતાં રસ્તા પર લાંબા સમયથી દબાણોના રાફડો ફાટ્યો હતો. જેને પગલે દબાણ ઝુંબેશ અંતર્ગત અહીં ગેરકાયદે રીતે લાગેલા હોર્ડિંગ્સ અને પાકા શેડ સહિત 60થી વધુ નાના-મોટા દબાણો હટાવાયા હતા.  સવારે પાટનગર યોજના વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ, મામલતદાર સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે અડાલજ પાસે પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને અહીં લાંબા સમયથી ઊભા થઈ ગયેલા દબાણો હટાવ્યા હતા. જેમાં ગેરકાયદે રીતે લાગેલા હોર્ડિંગ્સ, લારી-ગલ્લા, શેડ્સ સહિતના 60થી વધુ દબાણો હટાવાયા હતા. અહીં દબાણોની સ્થિતિ એ થઈ ગઈ હતી કે લોકોએ મોટા શેડ ઉભા કરીને ચા-નાસ્તાની હોટેલો શરૂ કરી દીધી હતી.

અડાલજ ચોકડીથી ત્રિ- મંદિર જતાં રસ્તા પર લાંબા સમયથી દબાણોના રાફડો ફાટ્યો હતો. રોડ પર દબાણ કરીને લારી-ગલ્લાઓ, નાસ્તાની લારીઓ વગેરે ખડકી દેવામાં આવ્યા હતા. જેને પગલે  શરૂ થયેલી દબાણ ઝુંબેશ આજે  મંગળવારે પણ ચાલુ રહી હતી.  ઉલ્લેખનીય છે કે અડાલજ ચોકડી પર ગાંધીનગરથી સરખેજ હાઇવે અને સાબરમતીથી મહેસાણા હાઇવે પરના લીફ બ્રિજને વધુ સુરક્ષિત કરવા બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવાની સાથે ફેબ્રિકેશન વર્ક કરીને ચેઇન લીન્ક ઝાળી લગાડાશે. પંતગિયા આકારના આ બ્રિજની વચ્ચેની વિશાળ જમીન લાંબા સમયથી પડતર છે. જેને પગલે અહીં 2.50 લાખ લીટર ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ બાંધવામાં આવશે. ત્યારે કામગીરી શરૂ કરતાં પહેલાં આસપાસના દબાણો દૂર કરાતા હોવાનું જાણવા મળ્યું છે.

અડાલજ-મહેસાણા હાઈવે પર ઉભી થઈ ગયેલી ગેરકાયદે હોટેલોને પગલે અહીં મોડી રાત સુધી લોકોની બેઠકો જામતી હતી. આવતા જતાં લોકો રસ્તા પર જ વાહનો મુકીને જતાં હોવાને પગલે ટ્રાફીકની પણ સમસ્યા ઉભી થતી હતી. આ બધા વચ્ચે કેટલાક અસામાજિક તત્વોની પણ અહીં અડ્ડો જમાવતા હતા. ત્યારે લીફબ્રીજની કામગીરી અને ફરિયાદોને પગલે તંત્ર દ્વારા દબાણો હટાવાયા છે.અને આ રીતે તંત્ર દ્વારા આ વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે.

 

 

Exit mobile version