Site icon Revoi.in

ડીસામાં બગીચા સર્કલ પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

Social Share

ડીસાઃ શહેરમાં બગીચા સર્કલ પાસે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. હાલ ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે મુખ્ય બગીચા સર્કલ પર દિવસમાં વારંવાર ટ્રાફિકજામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ડીસા  શહેરના હાઇવે પર  તો એલિવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ ગઈ છે, પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. બગીચા સર્કલ પર વારંવાર ટ્રાફિકજામ રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ટ્રાફિકજામ થતા છેક મામલતદાર કચેરી સુધી તેમજ વિ.જે. પટેલ શાકમાર્કેટ સુધી વાહનોની કતાર જોવા મળે છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે. આથી બગીચા સર્કલ પાસે વેલ ટ્રેઈન્ડ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતા વાહનો તેમજ રોંગ સાઈડમાં આવતા વાહનો સામે દંડકીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે.

સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ શહેરના મુખ્ય બગીચા સર્કલ, ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને રીશાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઈ છે.  શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. જ્યારે હવે ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે લોકોની ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે મુખ્ય બગીચા સર્કલ પર દિવસમાં વારંવાર ટ્રાફિકજામ થાય છે.

આ ઉપરાંત વિ.જે. પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ પરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેમજ તે વાહનોને એન્ટ્રી પાસ લેવામાં સમય લાગતો હોવાના કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે. આથી શાક માર્કેટના બંને ગેટ પરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ શકે તેમ છે.