Site icon Revoi.in

રિટાયરમેન્ટ બાદ ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈ શકે છે ધોની, સિયાચિનમાં ઈચ્છે છે પોસ્ટિંગ

Social Share

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દુનિયાના નંબર વન મેચ ફિનિશરમાં ગણતરી પામેલા મહેન્દ્રસિંહ ધોની હવે ટેરિટોરિયલ આર્મીમાં સામેલ થાય તેવી શક્યતા છે. એટલું જ નહીં તેઓ ટેરિટોરિયલ આર્મીમાં એક સખત પોસ્ટિંગની પણ ચાહત ધરાવે છે. ધોની સિયાચિનમાં પોસ્ટિંગ ચાહે છે. આ વાતની જાણકારી તેમના એક નિકટવર્તી મિત્રે આપી છે.

વિશ્વકપમાં સ્લો બેટિંગના કારણે ટીકાઓનો સામનો કરી રહેલા ધોની શું હવે ક્રિકેટમાંથી સંન્યાસ લેશે? આ સવાલ હાલ સૌના દિલોદિમાગમાં ઘોળાઈ રહેલો છે. તેની વચ્ચે તેમના મિત્રનું માનીએ તો તેઓ હવે દેશની સેવા કરવા ચાહે છે. તેમના મિત્રે જણાવ્યું છે કે તેઓ કેટલાક મહીનાઓ માટે સિયાચિનમાં પોસ્ટિંગ લે તેવી શક્યતા છે. ધોની દેશની સેવા કરવા ચાહે છે, જેવું સનિક કરે છે. તેઓ ઝડપથી સેનાનો સંપર્ક કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરે તેવી પણ શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે ટેરિટોરિયલ આર્મી ઈન્ડિયન આર્મીનો જ એક હિસ્સો છે. જેમાં વોલિન્ટિયર્સને દર વર્ષે બેથી ત્રણ મહીનાઓનું સૈનિક પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેથી જરૂરિયાત પડે ત્યારે દેશની સુરક્ષા માટે તેમની સેવાઓને લઈ શકાય. ઉલ્લેખનીય છે કે ટેરિટોરિયલ આર્મી ફૂલ ટાઈમ કેરિયર નથી. હિંદીમાં તેને પ્રાદેશિક સેનાના નામથી ઓળખવામાં આવે છે.

શું ધોની આ વિશ્વકપ બાદ હવે સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છે, આ સવાલ પર તેમના મિત્રે કહ્યુ છે કે આ કહેવું મુશ્કેલ છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. ધોનીએ આ વિશ્વકપમાં આઠ મેચોમાં 273 રન બનાવ્યા છે. ઘણી મેચોમાં તેઓ સ્લો બેટિંગના કારણે ફેન્સના નિશાને પર રહ્યા છે. જો કે જ્યારે વાત તેમના સંન્યાસને લઈને થાય છે, તો લાખોની સંખ્યામાં ક્રિકેટના ફેન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરોનું કહેવું છે કે ધોનીએ હાલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવો જોઈએ નહીં.