ભુજઃ બે વર્ષ અગાઉ સરહદી કચ્છના મુંદરા બંદર ખાતે ઝડપાયેલા 2988 કિલો જેટલા હેરોઇનના ચકચારી પ્રકરણમાં ગુજરાતની વડી અદાલતે આ કેસમાં સંડોવાયેલા એક અફઘાની શખ્સ સહીત પાંચ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે આ જ કેસમાં સામેલ એક મહિલા આરોપીને જામીન આપવામાં આવ્યા હતા.
ગત 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ગાંધીધામ ડીઆરઆઇએ મુંદરા બંદર પરથી 2988.21 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. પ્રતિબંધિત માલની શિપમેન્ટ મેસર્સ આશી ટ્રેડિંગ કંપની દ્વારા આયાત કરવામાં આવી હતી અને ઈરાનના અબ્બાસ બંદર દ્વારા અફઘાનિસ્તાનના કંદહારમાં મેસર્સ હસન હુસૈન લિમિટેડ દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું. હેરોઇનને “સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ” ના નામે આયાત કરવામાં આવ્યુ હતુ. આ મામલાની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણની તપાસ એનઆઈએને સોંપાઈ હતી જેમાં બહાર આવ્યું હતું કે ચેન્નાઈના મચાવરમ સુધાકર રાવ અને ગોવિન્દ્રાજુ દુર્ગા પૂર્ણા વૈશાલી નામનું દંપતી તેમજ વિજયવાડા ખાતે નોંધાયેલી આશી ટ્રેડિંગના રાજકુમાર પેરુમલ અને અન્ય લોકોએ ગુનાને અંજામ આપ્યો હતો. અગાઉના કન્સાઈનમેન્ટ્સ દિલ્હી અને પંજાબમાં વિતરણ માટે દિલ્હીના વેરહાઉસમાંથી મળી આવ્યા હતાં. હવે આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે બે અફઘાનિસ્તાનના સોભન આર્યનફાર અને સઇદ મોહમ્મદ હુસૈની અને આશી ટ્રેડિંગ સાથે સંકળાયેલા બે શખ્સો મચાવરમ સુધાકર રાવ અને અન્ય રાજકુમાર પેરુમલ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
રાજધાની દિલ્હીમાં વેરહાઉસ ભાડે આપવાની મદદગારી કરનારા અન્ય એક આરોપી પ્રદીપ કુમારની જામીન અરજી પણ ફગાવી દેવાઇ હતી. જોકે કોર્ટે ગોવિંદારાજુ દુર્ગાપૂર્ણા વૈશાલી નામની મહિલાને જામીન આપ્યા હતા.