Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનની ટેક્સ વસુલાત ઝૂંબેશને લીધે 28 દિવસમાં 236 કરોડની આવક

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી પ્રોપર્ટી ટેક્સ વસુલાતની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મ્યુનિ. દ્વારા બાકી ટેક્સ પર 100 ટકા વ્યાજ માફીની યોજના બાદ પણ ધણાબધા  મિલકતધારકો દ્વારા  બાકી નાણાં ચૂકવવામાં નહીં  આવતા મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સોમવારે 688 જેટલી મિલકતોને સીલ કરીને  રૂ. 10.43 કરોડની વસુલાત કરવામાં આવી હતી.. મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશને કારણે છેલ્લા 28 દિવસમાં જ મ્યુનિ.ને કુલ 236.44 કરોડની આવક થઇ છે, જેમાં સૌથી વધારે આ‌વક 51.54 કરોડ ઉ.પશ્ચિમઝોનમાં, પશ્ચિમઝોનમાં 42.40 કરોડ, દ.પશ્ચિમઝોનમાં 36.55 કરોડ, પૂર્વઝોનમાં 35.55 કરોડ મધ્યઝોનમાં 29.15 કરોડ, દક્ષિણઝોનમાં 21.33 કરોડ અને ઉત્તરઝોનમાં રૂ. 21.33 કરોડની આવક નોંધાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. શહેરમાં લાખો પ્રોપર્ટીધારકોમાંથી ઘણબધા પ્રોપર્ટી ધારકો મિલકતવેરો ભરતા નથી. અને વ્યાજ સાથે લાખો રૂપિયાની રકમ બાકી હોય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમૃત વર્ષ નિમિત્તે 100 ટકા વ્યાજ માફીનો લાભ આપવાની જાહેરાત કરી હોવા છતાં બાકીદારો એનો પણ લાભ લેતા નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા છેલ્લા 28 દિવસથી સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. અને 28 દિવસમાં જ 236.44 કરોડની વસુલાત થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. દ્વારા સીલ કરાયેલા મહત્ત્વના એકમોમાં દ.પશ્ચિમઝોનમાં કર્ણાવતી એપાર્ટ, જયતીર્થ ફ્લેટ, ગાયત્રીનગર, સિદ્ધી વિનાયક ટાવર, પૂજન એપાર્ટમેન્ટ, ઉ.પશ્ચિમઝોનમાં, કૈલાસ રેસિડન્સી, દર્શન કોમ્પલેક્સ, જય મહાલક્ષ્મી વિલા કોમ્પલેક્સ, શ્રીજી રેસિડન્સી, એક્ઝેટિકા , શ્રી હરી આનંદ સોસા. દિવ્ય હોમ્સ, ગ્રીનવીલા, શુભલાભ સોસા, પશ્ચિમઝોનમાં ધ સીટીગેટ, વિક્રમ કોમ્પલેક્સ, સંગાથ-2, હરિઓમ ટાવર, સ્વાગત, નિર્માણ કોમ્પલેક્સ, પૂર્વ ઝોનમાં ઉમંગ ફ્લેટ, ક્રિશ્ના એસ્ટેટ, કામદાર ઇન્ડિયા દક્ષીણઝોનમાં રામ ટેનામેન્ટ, સિલ્વર એસ્ટેટ, કેલિકો મિલ્સ, ઉત્તરઝોનમાં મારુતિ એસ્ટેટ, વિષ્ણુ એસેટેટ, વિઠ્ઠલ પ્લાઝા, સુમેલ-4 સહિત અન્યોનો સમાવેશ થાય છે.