Site icon Revoi.in

નર્મદ અને ડાંડિયો: ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો

Social Share

ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે નર્મદ અને તેમના મિત્રો ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે સાથે મળીને એડિસનના સ્પેક્ટેટર જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો, જેના પરિણામેસ્વરૂપે ડાંડિયો પત્ર શરૂ થયું એમ કહી શકાય અથવા મુંબઈથી સુરત આવેલા નર્મદે પાંચેક મિત્રો સાથે સાક્ષર મંડળની સ્થાપના કરી, ગિરધરલાલ દયાળદાસે મંડળનું મુખપત્ર પ્રગટ કરવાનો વિચાર મૂક્યો, નગીનદાસ મારફતિયાએ આ પત્રનું નામ ડાંડિયો રાખવાનું સૂચવ્યું અને નર્મદે તેનો સ્વીકાર કર્યો, આમ ડાંડિયો પત્ર શરૂ થયેલું એમ પણ કહી શકાય. મોટેભાગે મુંબઈમાં નર્મદનું નિવાસસ્થાન ડાંડિયોનું કાર્યાલય રહેતું. 1, સપ્ટેમ્બર 1864માં સુરતથી પ્રારંભ થયેલું ડાંડિયો પત્ર માંડ પાંચ વર્ષ ચાલ્યું અને પાંચ વર્ષમાં ત્રણ વાર તો બંધ પડ્યું. આ સમયગાળો એટલે ગુજરાતી પત્રકારત્વમાં સુધારાવાદી પત્રકારત્વના ઉદયનો સમયગાળો. ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો છે. નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું સામાચારિક-સાહિત્યિક પત્ર પ્રથમ પખવાડિક-પાક્ષિક અને પછીથી સાપ્તાહિક થયેલું હતું.

ડાંડિયો ડેમી કદના 8થી 12 પાનાઓમાં પ્રકટ થતું હતું. તેની વાચનસામગ્રીમાં પ્રથમ પાને પ્રાસંગિક વિષય પરનો લેખ છપાતો હતો. આ ઉપરાંત સમાજ, ઈતિહાસ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ, શેરસટ્ટા, વ્યંગચિત્રો, સ્થાનિક વહીવટદારોના ભ્રષ્ટાચાર, સામાજીક બદીઓ સંદર્ભે નીતિબોધ, વિખ્યાત વ્યક્તિઓના સંક્ષિપ્ત જીવનચરિત્રો જેવા વૈવિધ્યસભર વિષયોને તેમાં આવરી લેવામાં આવતા હતા. ડાંડિયોની કુલ ત્રણ શ્રેણીઓ પ્રકટ થઈ હતી. પ્રથમ શ્રેણીમાં 32 અંકો, દ્વિતીય શ્રેણીમાં 27 અંકો અને તૃતીય શ્રેણીમાં 58 અંકો પ્રકાશિત થયા હતા. 1969ની આખરમાં આ ચોપાનિયું સન્ડે રિવ્યુ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. શરૂઆતમાં નર્મદ ડાંડિયોના તંત્રી હતા, પ્રથમ ત્રેવીસ અંક બાદ ગિરધારલાલ કોઠારીએ ડાંડિયોનું સંચાલન સંભાળ્યું હતું. નર્મદના તંત્રીપદેથી દૂર થતા ડાંડિયોનું લોકપ્રિયતા ઘટી હતી અને ફરી નર્મદે તેનું સંચાલન સંભાળી ડાંડિયોને બેઠું કર્યું હતું. ડાંડિયો 1864માં શરૂ થયું હતું ત્યારબાદ 1865 તથા 1866માં અનુક્રમે સૌરાષ્ટ્રના ભાવનગરમાંથી મનોરંજક રત્નમાળ અને જૂનાગઢમાંથી સૌરાષ્ટ્ર દર્પણ નામના પત્રોની શરૂઆત થઈ જેની પર ડાંડિયોની ઘેરી અસર હતી. આ બંને પત્રો સૌરાષ્ટ્રના સૌપ્રથમ પત્રો હતા. 1864માં ડાંડિયો બહાર પાડતા પહેલા નર્મદે 1851માં જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક બહાર પાડેલું હતું. કોલેજકાળમાં નર્મદે પાંચેક મિત્રો સાથે મળી પુસ્તકાલય પણ શરૂ કર્યું હતું.

ડાંડિયો તર્કનિષ્ઠ બૌદ્ધિક ચર્ચાઓનું પત્ર હતું. તેનાં સમકાલીન પત્રો બુદ્ધિવર્ધક, બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, સત્યપ્રકાશ, રાસ્ત ગોફતાર, ચંદ્રોદય વગેરે હતાં. ડાંડિયો પત્રની ભાષા અને જોડણી ચોક્કસ હતા. ડાંડિયોના લખાણો અત્યંત જલદ હતા. બહુ જ કડવા કહી શકાય તેવા હતા. ડાંડિયોમાં નર્મદ પુ, લ, અને ત સંજ્ઞાથી લખતા હતા. એમાં આવતા લેખોની નોંધ અંગ્રેજ સરકાર પણ ગંભીરતાથી લેતી, લખાણોના ભાષાંતર થતાં અને સેક્રેટરિયેટમાં એની ચર્ચા થતી. ડાંડિયોમાં છપાયેલા સમાચારોથી અંગ્રેજી અમલદારો પણ ડરતા હતા. ડાંડિયો પોતાના જમાનાનું સૌથી વધુ વંચાતું પત્ર હતું. આમ છતાં ડાંડિયોના અંકો વહેંચાતા ન હતા એટલે મફતમાં વહેંચવા પડતા હતા. ડાંડિયોના અંકો ઘણીવખત અનિયમિત બહાર પડતા હતા. ચોકાવનારી બાબત એ છે કે, ડાંડિયોનું લવાજમ વર્ષે એક રૂપિયો હતું છતાં તે ખોટમાં ચાલતું હતું અને એ જ મુખ્ય કારણ હતું કે, ડાંડિયો પાંચ વર્ષમાં ત્રણ વાર બંધ થયું અને પાંચ વર્ષ પછી સાવ બંધ થઈ ગયું.

રાજા-રજવાડાંઓના આંતરિક સંઘર્ષ અને બ્રિટીશ સત્તાના વધતા જતા વર્ચસ્વ વચ્ચે ડાંડિયોએ ગુજરાતી પત્રકારત્વમાં સમાજ સુધારણાની એક અલગ ભાત પાડેલી. સુધારાવાદી પત્રકારત્વની એક જ્યોત પ્રગટાવેલી. નર્મદના ડાંડિયોમાં સત્યની સનસનાટી હતી. સુધારાવાદની સોડમ હતી. સાક્ષરતા જગાડવાની શક્તિ હતી. ઘણાને ખ્યાલ નથી કે, સટ્ટાખોરીથી લઈ જમીન મકાનના કૌભાંડો બહાર પાડનાર પહેલું પત્ર એટલે ડાંડિયો. કુરિવારજો, અંધશ્રદ્ધા અને વહેમો સાથે ભ્રષ્ટાચાર સામે પણ મોરચો માંડનાર પ્રથમ પત્ર એટલે ડાંડિયો. આદિવાસીઓને પણ ભણાવવા જોઈએ તેવી વાત ડાંડિયો મારફત કરનાર સૌથી પહેલા નર્મદ હતા. ગુજરાતી પત્રકારત્વમાં ડાંડિયોએ ભાષાશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ પર સૌપ્રથમ સવિશેષ ભાર મૂક્યો હતો. વળી, એમાં સમાચારોની સાથે સાહિત્યને પણ સ્થાન હોતું. વિવિધ પ્રકલ્પોમાં ડાંડિયો ગુજરાતી પત્રકારત્વમાં અવ્વલ સ્થાને રહ્યો છે. એક નોંધવા જેવી અનોખી બાબત છે કે, કદાચ આ એવું પ્રથમ પત્ર હતું કે, પૈસા ખર્ચી, લવાજમ ભરી ડાંડિયો વાંચનારા કરતા મફતમાં ડાંડિયો વાંચનારા વધુ હતા! એ સમયે એક વર્ગ એવો હતો જે મફતમાં કે ઉછીમાં ક્યાય પણથી ડાંડિયો મેળવી તેમાં શું છપાયું છે તે છાનેખૂણે તપાસી લેતો.

નર્મદના ડાંડિયોનું ધ્યેય વિવિધ સામાજિક અને રાજકીય ભ્રષ્ટાચાર, પાખંડો, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા,  આડંબર, દંભડોળ, ઈજારાશાહી વગેરે દૂષણોને પ્રગટ કરી પ્રજામાં ચેતનનો સંચાર કરવાનું હતું. એ પત્ર એટલું પ્રામાણિક હતું કે પોતાની ભૂલનો એકરાર કરતું. તેમાં વ્યક્તિગત ટીકા, સામૂહિક વર્ગ કે સમાજ માટે ચેતવણીરૂપ રહેતી. ફક્ત વૈષ્ણવ મહારાજોના કામાચારો નહીં પરંતુ બીજી જ્ઞાતિ-જાતિની પાપલીલા અને શેઠિયા-શ્રીમંતોના પાખંડો પર ડાંડિયો ફટકાર વરસાવતો. ભદ્ર સમાજની વિકૃત વાસ્તવિકતાનું વરવું ચિત્રણ ડાંડિયોમાં બખૂબી થતું. ડાંડિયોએ સમાજ સુધારાની ઝુંબેશ ઉપાડવા ઉપરાંત માનવો સાથે પશુપક્ષીઓ પર થતા અત્યાચારનો વિરોધ પ્રગટ કર્યો હતો. ડાંડિયોની ધાકથી અનેક પ્રકારનાં કુકર્મો અને કુરિવાજો પર નિયંત્રણ આવ્યું હતું એ દૃષ્ટિએ આ પત્રે કરેલી સેવા ગુજરાતી સમાજસુધારાના ઈતિહાસ ઉપરાંત ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં નોંધપાત્ર બની છે.

એવું કહેવાય છે કે, શેરસટ્ટાખોરીથી કંટાળી નર્મદ સુરત આવ્યા હતા. નર્મદ સુરત સિવાય સૌરાષ્ટ્રમાં પણ આવેલા હતા. એક સમયે વકીલ અને મામલતદાર ત્યારબાદ કથાકાર બનવાની ઈચ્છા ધરાવનાર નર્મદને કિસ્મતે કવિ બનાવ્યા. કવિમાંથીએ સુધારક અને સુધારકમાંથી તેઓ પત્રકાર બન્યા હતા. નર્મદે વેપાર-ધંધો અને નોકરી છોડી કલમ હવે તારે ખોળે છ‍ઉંનો સંકલ્પ કર્યો. આ સંકલ્પે નર્મદની આકરી કસોટી પણ કરી. મારી હકીકત નામે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા આપનાર નર્મદ સુધારકયુગના અગ્રણી સર્જક હતા. આ સર્જક શિક્ષક પણ હતા. કદાચ જગતની કોઈ ભાષામાં કોઈ કવિના નામની આગળ વીર વિશેષણ નહીં હોય. નર્મદના નામ આગળ વીરનું વિશેષણ છે. વીર નર્મદને ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યકારો નર્મદને અર્વાચીન યુગનો અરૃણ, અર્વાચીનોમાં આદ્ય, નવયુગનો પ્રહરી વગેરે નામે પણ નવાજે છે. નર્મદ કવિ પણ હતા, લેખક પણ હતા અને એથી પણ વિશેષ પત્રકાર હતા. નર્મદે ​ડાંડિયો નામના સામયિક દ્વારા પોતાની નિર્ભકતા અને સર્જકતા સાથે સામાજિક સુધારણાના પત્રકારત્વનો પરિચય આપ્યો હતો.

સુધારાના સેનાનાયક નર્મદ પત્રકાર ઉપરાંત કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, વિવેચક, સંપાદક અને સંશોધક હતા. ઈ.સ. ૧૮૭૫ પછી સામાજિક અને ધાર્મિક સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમના વિચાર પરિવર્તન થયેલા. સુધારાવાદી પત્રકારત્વ દરમિયાન નર્મદે પોતાની આસપાસ રહેલી નજીકની વ્યક્તિઓના જ વ્યવહાર અને વિચારમાં ભેદ જોયા અને આમ તેનો ભ્રમ ભાંગ્યો હતો. કહેવતો ડાહ્યો સમાજ કેટલો દંભી હોય છે એ નર્મદને સમય જતા સમજાય ચૂક્યું હતું. સુધારક જીવનના પ્રારંભે ડગલું ભર્યું તે ના હઠવું,  હઠવું, સમજીને તો પગલું ભરવું, મૂકીને ના બ્હીવું જેવી પંક્તિઓ લલકારનાર નર્મદ પાછલી અવસ્થામાં પશ્રિમના ભૌતિકવાદ કરતા ભારતીય અધ્યાત્મવાદ ચઢિયાતો છે એવું સ્વીકારતા થયા હતા. કદાચ આ જ કારણોસર નર્મદે પત્રકારત્વને ટૂકાવ્યું પણ જ્યાં સુધી પત્રકારત્વ કર્યું ત્યાં સુધી કોઈપણ કિંમતે માત્રને માત્ર સત્યને જ વળગી રહ્યા. નર્મદ જીવનના અંત સુધી કલમના ખોળે રહ્યા એ સાચું પણ નર્મદે પત્રકારત્વ જીવનના અંત સુધી કર્યું નહતું. આમ છતાં એક નાની અમથી કલમની તાકાત કેટલી? કલમથી શું-શું થઈ શકે? કલમ ક્યાં પ્રકારે તલવારથી પણ વધુ ધારદાર અને બંદૂકથી પણ વધુ ખતરનાક હથિયાર છે? સૌ પ્રથમવાર નર્મદે ગુજરાતી પત્રકારત્વનાં માધ્યમથી કલમની તાકાતને સૌ સમક્ષ ઉજાગર કરી હતી.

વધારો : નર્મદની આત્મકથામાં છે કે, પોતે નાનો છોકરો હતો ત્યારે ડાકણથી ડરતો. તે મોડી રાત્રે એક સ્ત્રીને જોતા એ ડાકણ હતી, બાળપણમાં તે ડાકણને જોઈ ગભરાઈ જતા હતા. એ જ નર્મદ પુખ્તવયે છડેચોક વિધવા સ્ત્રી જોડે હિંમતપૂર્વક લગ્ન કરે છે, સમાજ સુધારક તરીકે સામાજિક બદીઓ અને ખાનાખરાબીઓ વિરુદ્ધ શુરવીરતાથી બંડ પોકારે છે. પત્રકાર તરીકે પોતાની કલમ વાટે ડાંડિયો પીટી ભલભલા ચમરબંધીઓને ભો ભેગા કરી દે છે. કલમવીર તરીકે કોઈની પણ સાડી બાર રાખ્યા વિના કઈપણ કહી આપે છે, છપ્પનની છાતી રાખી બહાદુરીપૂર્વક ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવામાં પાછી પાની ન કરે.. એ પણ ક્યાં સમયે, કોની સામે અને કેવા સંજોગોમાં? કવિ તરીકે નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જેવી ગુજરાતી ભાષાની અમર કવિતા રચે અને નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક જેવી રચના દ્વારા વીરતાપૂર્વક મૃત્યુને પણ ભેટી પડે એટલે અનેક કારણોસર નર્મદને વીર કહેવા જ પડે. નર્મદ ખરા અર્થમાં વીર હતા. નર્મદ અને ખાસ કરીને નર્મદનું પત્રકારત્વ એ વીરતાનું પ્રતિક છે.

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com

(Photo-File)