Site icon Revoi.in

નર્મદા યોજનાઃ વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ અનેક અડચણો પાર કરીને વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ કરાયો છે. જેમાં વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેના દ્વારા રાજ્યના 9104 ગામો અને 169 શહેરોને પીવાના પાણી અને ઘર વપરાશના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પણ સિંચાઈ સુવિધા પુરી પાડીને 16.90 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસીત કરાઈ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યાનુસાર કુલ આયોજિત નહેર માળખાના 90 ટકા લંબાઈના કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય નહેરના 458.32 કિ.મી., શાખા નહેરના 2661.554 કિ.મી., વિશાખા નહેરના 4434.27 કિ.મી., પ્રશાખા નહેરના 14415.284કિ.મી., પ્ર-પ્ર શાખાના 40,805 કિમી મળી કુલ 62774 કિ.મી. લંબાઈના કામોનો સમાવેશ થાય છે.

ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટ દ્વારા વિપુલ પ્રમાણમાં સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જે અંતર્ગત કુલ 16.90 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઈ છે તે પૈકી 15.19 લાખ હેક્ટર વિસ્તારમાં પ્ર-પ્રશાખા નહેરના કામો પણ પૂર્ણ કરાયા છે. ભાસ્કારાચાર્ય ઇન્ટીટ્યુટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઈન્ફોર્મેટીક્સ (BISAG) દ્રારા જાન્યુ-2021 સેટેલાઈટ ઇમેજના અભ્યાસ મુજબ 12.09 લાખ હેક્ટર પિયત વિસ્તારને નર્મદાના પાણીથી સિંચાઇનો લાભ પૂરો પડાયો છે.

જેના પરિણામે ખેડૂતોને પાક પસંદગીમાં, પાક ઉત્પાદન તેમજ આવકમાં વિપુલ પ્રમાણમાં વધારો થતા ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે અને જીવન ધોરણમાં પણ સુધારો નોંધાયો છે. ૪૫૮ કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેરમાં નર્મદાનું નીર અવિરતપણે વહન કરીને રાજ્યના લાભાર્થી વિસ્તારો સહિત રાજસ્થાનને પાણી પહોંચાડવામાં આવે છે.