Site icon Revoi.in

રસીકરણ અભિયાન: લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણીપંચ સરકારને સહાયરૂપ થશે

Social Share

નવી દિલ્હી: દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કોરોના રસીકરણ અભિયાન માટે મતદાન મથક સ્તરે લાભાર્થીઓને ઓળખવા આવશ્યક છે ત્યારે આ બાબતે સંપૂર્ણ સહાય કરવાની ચૂંટણી પંચે ખાતરી આપી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકારને સહાયરૂપ બનવા માટે ચૂંટણી પંચે તેનો ઇલેક્શન કાર્ડનો ડેટા પૂરો પાડવા મંજૂરી આપી છે. જો કે, આ સાથે ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને રસીકરણ અભિયાન પૂરું થયા પછી તેણે આ ડેટા ડીલિટ કરી નાંખવાની પણ સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગત વર્ષે 31મી ડિસેમ્બરે ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને મતદાન મથક સ્તરે 50 વર્ષથી વધુ વયના લોકોને ઓળખી કાઢવા માટે મદદરૂપ થવા પત્ર લખ્યો હતો.

બીજી તરફ ડેટા સલામતીના મામલે ગૃહ સચિવે ચૂંટણી પંચને સાયબર સિક્યોરિટીની પૂર્ણ ખાતરી આપી હતી. તેમણે ચૂંટણી પેનલને એવી પણ ખાતરી આપી હતી કે ચૂંટણી કમિશનનો ડેટાનો ઉપયોગ માત્ર રસીકરણના હેતુસર જ કરાશે.

ચૂંટણી પંચે ગૃહસચિવને ૪થી જાન્યુઆરીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાનમાં સરકારને સંપૂર્ણ સહાય કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. પરંતુ સરકારે ડેટાનો મર્યાદિત હેતુ માટે જ ઉપયોગ કરવાની અને રસીકરણ અભિયાન પૂરું થઈ ગયા પછી ડેટા ડીલીટ કરવાની ખાતરી આપવી પડશે.

સૂત્રોનુસાર ચૂંટણી પંચની મંજૂરી બાદ હવે કેટલાક વરિષ્ઠ ચૂંટણી અધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રીના નોડલ અધિકારીઓના સંપર્કમાં રહેશે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દૈનિક સમસ્યાઓનો ઉકેલ લાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના રસીકરણ અભિયાનની માર્ગદર્શિકા મુજબ ૫૦ વર્ષથી વધુ વયના લોકોની વસતીને ઓળખી કાઢવા માટે લોકસભા અને વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓના ડેટાનો ઉપયોગ કરાશે.

(સંકેત)