Site icon Revoi.in

હાય રે મોંઘવારી! LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો, કર્મશિયલ સિલિન્ડર પણ મોંઘા થયા

Social Share

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મોંઘવારીના સમાચાર સાથે થઇ રહી છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે 14.2 કિલોગ્રામના સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 75 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

દિલ્હીમાં હવે 14.2 કિલો LPG સિલિન્ડર હવે 884.5 રૂપિયા થઇ ગયું છે. જ્યારે આ પહેલા તેના ભાવ 859.50 રૂપિયા હતા. અગાઉ 17 ઑગસ્ટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.

મુંબઇમાં અગાઉ જે ભાવ 859.50 રૂપિયા હતો તે હવે વધારા સાથે 884.5 રૂપિયા થઇ ગયો છે. કોલકાતામાં LPG સિલિન્ડરનો ભાવ 886 રૂપિયાથી વધીને 911 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. ચેન્નાઇમાં LPG સિલિન્ડર માટે આજથી 900.50 રૂપિયા ચૂકવવા પડશે. જે ગઇકાલ સુધી 875.50 રૂપિયા હતા.

ઉત્તરપ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં LPG માટે 866.50 ચૂકવવા પડશે. અત્યાર સુધી આ સિલિન્ડર ભોપાલમાં 840.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે આજથી 865.50 રૂપિયા થઈ ગયું છે.

વર્ષ 2021 ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી.