Site icon Revoi.in

રાહતના સમાચાર ! 50 રૂપિયે કિલો વેચાતા બટાકાના ભાવ ટૂંક સમયમાં ઘટશે

Social Share

નવી દિલ્હી: હાલમાં એક તરફ કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે તો બીજી તરફ ડુંગળી અને બટાકાના આકાશે આંબી ગયેલા ભાવથી ગરીબ અને મધ્યમવર્ગ ત્રસ્ત છે. તહેવારોની સિઝનમાં બંનેના ભાવમાં ખૂબ વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં બટાકાનો ભાવ 50 રૂપિયા કિલોને આંબી ગયો છે. પરંતુ હવે ભાવ વધારાથી રાહત મળવાની આશા છે. જેનું સૌથી મોટું કારણ પશ્વિમ બંગાળે પુરવઠો વધાર્યો હોવાનું છે. જો કે હાલમાં પશ્વિમ બંગાળમાં પણ 50 રૂપિયા કિલોએ જ બટાકાનું વેચાણ થઇ રહ્યું છે. બીજા રાજ્યમાં બિહારમાં 45 રૂપિયા, ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં 45 રૂપિયા, દિલ્હી અને NCRમાં 50 રૂપિયા તેમજ અમદાવાદમાં પણ 50 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે બટાકા વેચાઇ રહ્યા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પશ્વિમ બંગાળ સરકારે 27 નવેમ્બરના રોજ જાહેર કરેલી એક નોટિસમાં 465 કોલ્ડ સ્ટોરેજ માલિકોને 30 નવેમ્બર સુધી બાકીના સ્ટૉકને રીલિઝ કરવા કહ્યું છે. જો આવું નહીં કરે તો તેમની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ પછી કોલ્ડ સ્ટોરેજના માલિકોમાં ડર વ્યાપેલો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોલ્ડ સ્ટૉરેજ સ્તર પર બટાકાની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગળ પણ ભાવ ઘટાડો ચાલુ રહેશે.

કોલ્ડ સ્ટૉરેજ સ્તર પર બટાકાના જથ્થાબંધ ભાવમા ત્રણ દિવસમાં પ્રતિ કિલોગ્રામ પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગળ જતાં ભાવ 28 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી આવી શકે છે. પરિણામ સ્વરૂપ બજારમાં છૂટક ભાવ 40 રૂપિયાથી નીચે જઈ શકે છે.

નોંધનીય છે કે, ખેડૂત આંદોલનની મોટી અસર પણ બટાકાના ભાવ પર જોવા મળી છે. કેન્દ્ર સરકારે બટાકાની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 લાખ ટન પર 10 ટકાનો ક્વૉટા નક્કી કર્યો છે. સરકારે આ ક્વૉટા 31 જાન્યુઆરી, 2021થી લાગૂ કર્યો છે. હાલ સરેરાશ ભાવ 32 રૂપિયાની આસપાસ છે. સરકારના આવા પગલાથી આગામી દિવસોમાં ભાવ કાબૂમાં રહેવાની શક્યતા છે.

(સંકેત)