Site icon Revoi.in

AMC અને ઔડાની બેદરકારી, રોડનું અસ્તિત્વ નથી અને 80 કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ની લાપરવાહીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં AMC અને AUDA દ્વારા રૂપિયા 80 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઇજનેરો અને અધિકારીઓને ખ્યાલ આવ્યો કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ 30 ફૂટ બાદ ઊંચી દીવાલ આવી જાય છે. અને ત્યારબાજ ખેતીલાયક જમીન શરૂ થઈ જાય છે. એટલે રોડ કે રસ્તો નથી ત્યાં ઓવરબ્રિજ બનાવીને પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો કરી દેવામાં આવ્યો છે.

શહેરના બોપલ-ઘુમાને શીલજ સાથે જોડતો રેલવે ટ્રેક પરનો ઓવર બ્રિજ છેલ્લાં પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યોં છે. આશરે 16.5 મીટર પહોળા અને 900 મિટર જેટલા લાંબા બ્રિજનું 80 ટકા સિવિલ એન્જિનિયરિંગનું કામ પૂરું થઈ ગયું છે. બ્રિજ બનાવી રહેલા એન્જિનિયરોના કહેવા મુજબ ઓગસ્ટ-2024 સુધીમાં બ્રિજનું સંપુર્ણ કામ પૂરું થઈ જશે. ત્યારબાદ આ બ્રિજ ઔડાને સુપરત કરાશે. આ વિસ્તારનો કેટલોક ભાગ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તો કેટલોક ભાગ ઔડાની હદમાં આવે છે. બ્રિજ તૈયાર કરવાનો કુલ ખર્ચ આશરે 80 કરોડ છે જેમાં 50 ટકા રેલવે અને 50 ટકા ઔડા ચૂકવશે. અધિકારીઓની અણઆવડતના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યોં છે. અહીં રહેતા લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શિલજ તરફ જ્યાં રેલવે ઓવર બ્રિજ પુરો થાય છે ત્યાંથી આશરે 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. માત્ર 10થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. બ્રિજ પરથી નિચે ઉતરનારા વાહનચાલક માટે ડેડએન્ડ આવી રહ્યોં છે. ઔડાના એક અધિકારીએ કહ્યું કે, આ નોન ટીપી વિસ્તાર છે એટલે કે, એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેથી અહીં ટીપી પડવાની શક્યતા ઓછી છે. તેથી રસ્તો પહોળો થઈ શકશે નહીં. આમ આ બ્રિજના નિર્માણકાર્યથી AMC અને AUDAના વહીવટી અધિકારીઓ અને ઇજનેરોની બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું છે.

AMC અને AUDA દ્વારા કરોડોના ખર્ચે બોપલ, ઘુમા અને શીલજને જોડતો 4 લેન રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજ સર્વે કર્યા વગર જ બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કારણ કે બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયા બાદ ખબર પડી કે આગળ તો રસ્તો જ નથી. અને જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે તેનાથી 30 ફૂટ બાદ દીવાલ આવી જાય છે અને બાદમાં ખેતીલાયક જમીન શરૂ થઈ જાય છે.  કહેવાય છે કે, ઔડાએ બ્રિજની કિંમત પ્રમાણે ભાગે આવતી રકમના 25 ટકાથી વધુ રકમ રેલવેને ચૂકવી દીધી છે. ઔડાના એક અન્ય અધિકારીએ કહ્યું કે, શિલજ તરફ બ્રિજ પુરો થાય તે વિસ્તાર અમદાવાદ મ્યુનિ. હદ વિસ્તારમાં આવે છે. બ્રિજ તૈયાર થાય તે પહેલા ટ્રાફિકનો સરવે કરવો પડે છે જેમાં ટીપીનું આયોજન, રસ્તા પરનું દબાણ, બ્રિજની પહોળાઈ મુજબ રસ્તો બનાવાની જગ્યાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. રેલવે આ જગ્યાએ બ્રિજ બનાવાનું કેમ નક્કી કર્યું અને નિયમો ધ્યાને લીધા છે કે, નહીં તે તપાસનો વિષય છે.

Exit mobile version